હિન્દ ન્યુઝ, જામનગર
સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે જામજોધપુર તાલુકાના મેઘપર અને સોનવડીયા ગામે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત તેમજ કૃતિઓ અને ગીતના માધ્યમથી શિક્ષણ, કન્યા કેળવણી, પ્રાકૃતિક કૃષિ અને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ થકી શૈક્ષણિક રીતે ગુજરાતને સફળતા મળી છે. તેમજ આ કાર્યક્રમની ઉજવણી થકી શાળાઓમાં વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિઓ અને વાર્ષિકોત્સવમાં પણ ગ્રામજનોની ભાગીદારી વધી છે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના થકી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. સાયન્સમાં રસ દાખવતા વિદ્યાર્થીઓ માટે પણ સરકારની યોજનાઓ અમલમાં છે. જેથી કરીને બાળકો જે ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોય તેઓ આર્થિક સંકટનો સામનો કર્યા વગર પોતાના સ્વપ્ન પૂર્ણ કરી શકે અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી દેશ, સમાજ અને પરિવારનું નામ રોશન કરી શકે. મેઘપર પ્રાથમિક શાળાનો A ગ્રેડમાં સમાવેશ થતા મંત્રી દ્વારા શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ ગ્રામજનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના 100% સાક્ષરતાના ઘ્યેયને આગળ ધપાવવામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની મહત્વની ભૂમિકા છે. કાર્યક્રમમાં મંત્રીએ વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત સર્વેને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવા પણ અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે મેઘપર ગામે આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર ૭ વિદ્યાર્થીઓ તેમજ સોનવડીયા ગામે આંગણવાડીમાં, બાલવાટિકામાં અને પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર ૪૦ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા. તેમજ શાળાના તેજસ્વી તારલાઓનું પણ પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવતા વક્તવ્ય અને સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષારોપણ વિશે પણ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળી રહે તે માટે શાળાઓમાં શૈક્ષણિક પુસ્તકો આપવામાં આવ્યા છે. જેનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદીપભાઈ સુતરીયા, તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ, એપીએમસી ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા, ખરીદ વેચાણ સંઘના ચેરમેન કિશોરસિંહ જાડેજા, એપીએમસીના ડાયરેક્ટર કરસનભાઈ કરંગીયા, વાસ્મોના યુનિટ મેનેજર ભાવિકાબા જાડેજા, અધિકારીઓ, સી.આર.સી અને બી.આર.સીના સભ્યો, સરપંચ ભીખુભાઈ, રાજાભાઈ, શાળાના આચાર્યઓ, અગ્રણીઓ, આંગણવાડીના કાર્યકર બહેનો, શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો સહભાગી થયા હતા.
Advt.