સમાજના છેવાડાના જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ તેમના વિસ્તારમાં જ સરળતાથી મળી રહે તેવી સરકારની નેમ રહેલી છે -સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ

હિન્દ ન્યુઝ, રાજપીપલા

         ગુજરાતના સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે ગઇકાલે તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત મંત્રીના ખાતાના વિવિધ વિભાગીય અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જે તે વિભાગ દ્વારા અમલી પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને હજી પણ સઘન અમલીકરણ થકી આ કામગીરી વધુ ઝડપી અને લોકોભિમુખ બની રહે તે અંગે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. 

      નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન તથા જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી અને ઇન્ચાર્જ પ્રાંત અધિકારી એન.યુ.પઠાણ, સહકારી મંડળીઓના ઇન્ચાર્જ જિલ્લા રજીસ્ટ્રાર પી.બી.કંકોટીયા, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.એન.ખપેડ, ભરૂચના એસ.ટી. ના ડિવીઝનલ કન્ટ્રોલર સી.ડી.મહાજન, રાજપીપલા એસ.ટી. ડેપો મેનેજર પી.પી.ધામા, જિલ્લા રમત-ગમત અધિકારી એન.એસ.અસારી, સિનિયર કોચ વિષ્ણુભાઇ વસાવા, યુવા વિકાસ અધિકારી પી.એ.હાથલીયા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની આ રાજ્ય સરકાર દ્વારા સમાજના છેવાડાના જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ તેમના વિસ્તારમાં જ સરળતાથી મળી રહે તેવી સરકારની નેમ રહેલી છે, ત્યારે કોઇપણ જરૂરિયાતમંદ લાભાર્થી સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી ન જાય તેની પણ પૂરતી કાળજી અને તકેદારી દાખવવાની તેમણે ખાસ હિમાયત કરી હતી.

    આ બેઠકમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલે જિલ્લા પ્રસાશન દ્વારા પાવર-પોંઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જે તે વિભાગની થયેલી કામગીરી, પ્રગતિ હેઠળની કામગીરી અને ભાવિ આયોજન અંગેની પણ આંકડાકીય વિસ્તૃત જાણકારી મેળવી હતી અને જે તે વિભાગની આવી કામગીરી પ્રજાજનો માટે વધુ ઉપયોગી અને લાભદાયી-ફાયદાકારક બની રહે તે જોવા પણ જરૂરી સૂચનાઓ સાથે અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

     બેઠકના પ્રારંભે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે મંત્રી ઇશ્વરસિંહ પટેલને આવકારી મંત્રી હસ્તકના વિવિધ વિભાગોની રૂટીન કામગીરી, લક્ષ્યાંક સિધ્ધિ વગેરેની વિગતોથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. શાહે વૈશ્વિક કોરોના મહામારીને અનુલક્ષીને પ્રથમ અને બીજી લહેરના પ્રારંભે જિલ્લામાં વિવિધ ઉપકરણો સહિતની ઉપલબ્ધ આરોગ્યલક્ષી સેવાઓ-સવલતો અને તે દરમિયાન જિલ્લામાં યુધ્ધના ધોરણે કોવિડ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરની પથારીની ક્ષમતામાં વધારો, ઓક્સિજનવાળા બેડની ક્ષમતામાં વધારો, જમ્બો ઓક્સિજન સિલીન્ડર, લિક્વીડ ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન લાઇન, ઓક્સિજન પ્લાન્ટ, ધન્વંતરી રથ, RTPCR લેબ, કોરોના ટેસ્ટ-વેક્સીનેશનની કામગીરીની સાથોસાથ સંભવત: ત્રીજી લહેર સામે જિલ્લા પ્રસાશન-આરોગ્યતંત્રની સજ્જતાનો પણ તેમણે ખ્યાલ આપ્યો હતો.

     શાહે જિલ્લા પ્રસાશન દ્વારા કરાયેલી કેટલીક નોંધપાત્ર કામગીરી અને પ્રગતિ હેઠળના પ્રોજેક્ટની પણ મંત્રીને જાણકારી પુરી પાડવાની સાથે જિલ્લાના મહેસૂલી ક્વાટર્સ, બાયપાસ રોડ સહિતના મહત્વના પ્રશ્નો અંગે રાજ્યકક્ષાએથી જરૂરી ફોલોઅપમાં સહાયરૂપ થયેથી જિલ્લાને તેનો ઝડપી લાભ મળી રહેશે તેવી લાગણી પણ શાહે વ્યક્ત કરી હતી.

     ઉક્ત સમીક્ષા બેઠકના અંતે મંત્રી ઇશ્વરસિંહ પટેલે જિલ્લા પ્રસાશન દ્વારા થયેલી સર્વગ્રાહી કામગીરી ઉપરાંત તેમના ખાતાની વિભાગીય કચેરીઓ દ્વારા થયેલી કામગીરી અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યાં હતા.

    ઉક્ત બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તેમના પોતાના વિભાગ સહિત અન્ય વિભાગોને લગતા જિલ્લાના અગત્યના અને તાકીદે ઉકેલ માંગી લેતાં પ્રશ્નો બાબતે આ બેઠક અગાઉ જિલ્લાના પદાધિકારીઓની બેઠકમાં થયેલી રજૂઆત પરત્વે સંબંધિત અધિકારીઓને તેનો ઝડપી નિકાલ થાય તે જોવા જરૂરી સૂચનાઓ આપી છે.

મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રજાજનોએ તાલુકાકક્ષા સુધી આવવું ન પડે અને લોકોના પ્રશ્નોનું જે તે ક્લસ્ટર વિસ્તારના ગામોની અંદર જ તેનું નિરાકરણ આવે તેવું વિઝન સરકારનું રહેલું છે અને તે રીતે ક્લસ્ટરના જે તે ગામોમાં પ્રજાલક્ષી કામગીરી ઝડપી થઇ રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા,  રાજપીપલા 

Related posts

Leave a Comment