આણંદ જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન કરે તે માટે રોટરી ક્લબ મતદાર જાગૃતિ અભિયાનમાં સહભાગી બનશે

હિન્દ ન્યુઝ, આણંદ

  ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની તારીખો જાહેર થતાંની સાથે જ આ ચુંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી મતદાન જાગૃતિ અન્વયે વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યાં છે. જે અંતર્ગત આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ આણંદ લોકસભા મતદાર વિભાગના તમામ મતદારો મહત્તમ મતદાન કરે અને શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં પણ મતદાન કરવા માટે જાગૃતતા આવે તે માટે રોટરી ક્લબ, આણંદ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. 

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય અને છેક ગ્રામ્ય વિસ્તારના લોકોમાં મતદાન કરવા અંગેની જાગૃતિ આવે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીની સ્વિપ કાર્યક્રમના નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સ્વીપ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થઈને ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે તથા અચૂક મતદાન કરવાની સાથે અને અન્ય મતદારોને પણ મતદાન કરવા જાગૃત કરવામાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાર જાગૃતિ અંગે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વિવિધ ૧૧૨-આણંદ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી મયુર પરમાર દ્વારા મતદાર જાગૃતિ પ્રવૃતિઓ કરવા માટે રોટરી ક્લબ, આણંદ સાથે એમઓયુ (MoU) કરવામાં આવ્યા છે.

            આણંદમાં કરવામાં આવેલા આ એમઓયુ હેઠળ રોટરી ક્લબ આણંદ દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ, મતદાર શિક્ષણ અને મતદાન કરવા મતદારોને પ્રોત્સાહિત કરવા જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે. જિલ્લાના વધુમાં વધુ મતદારો લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થાય તેવા ઉદ્દેશ્યથી આ એમઓયુ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મતદાર જાગૃતિ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વેપારી મંડળ, અદ્યોગિક એકમો, સેવાકીય સંસ્થાઓ, બાર એસોસિએશન, બિલ્ડર્સ એસોસિએશન વગેરે સાથે પણ મતદાર જાગૃતિ કામગીરી કરવા માટેના એમઓયુ કરવામાં આવ્યા હતાં.

Related posts

Leave a Comment