આણંદ જિલ્લાના મતદારોને મતદાન કરવાની અપીલ કરતા જિલ્લાના દિવ્યાંગ કક્ષાના ડિસ્ટ્રીક્ટ આઇકોન સમીમબેન વહોરા

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

હિન્દ ન્યુઝ, આણંદ

   ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં મતદાતાઓને મતદાન અંગે જાગૃત કરવા અને લોકશાહીના પર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવવા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આણંદના જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.

        જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આણંદ જિલ્લાના મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બની અચૂક મતદાન કરે અને જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવા આણંદ જિલ્લાના બોરસદ ખાતેના પેરા એથલીટ સમીમબેન વહોરા કે જેમણે નેશનલ ગેમ્સમાં જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તેમને લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટે દિવ્યાંગ કક્ષાના (પી.ડબલ્યુ.ડી) ડિસ્ટ્રિક્ટ આઇકોન તરીકે નિમવામાં આવ્યા છે.

        “ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ” સૂત્રનો ઉલ્લેખ કરીને સમીમબેન વહોરાએ જણાવ્યું છે કે દેશના બંધારણ દ્વારા તમામ દેશવાસીઓને કોઇપણ જાતના ભેદભાવ વિના સમાન ધોરણે બહુમૂલ્ય મતાધિકાર આપવામાં આવ્યો છે. તેથી આણંદ જિલ્લાના તમામ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં અચૂક મતદાન કરવું જ જોઈએ. આણંદનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધારનારા સમીમબેન વહોરાએ જિલ્લાના તમામ મતદારો અને ખાસ કરીને દિવ્યાંગ મતદારોને ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ખાસ અનુરોધ કર્યો છે.

Related posts

Leave a Comment