કચ્છ પશ્ચિમ વન વિભાગની પ્રેરણાદાયી પહેલ: માતાના મઢ જતા પદયાત્રાળુઓની સેવામાં દયાપર ઉત્તર અને દક્ષિણ વન્યજીવ રેન્જ ખડેપગે

હિન્દ ન્યુઝ, કચ્છ

   કચ્છની ધરા પર નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દેશ-વિદેશ તેમજ રાજ્યભરમાંથી લાખો ભાવિક ભક્તો કુળદેવી મા આશાપુરાના દર્શનાર્થે માતાના મઢ ખાતે પદયાત્રા કરીને જઈ રહ્યા છે. પદયાત્રીઓની આ આસ્થા અને ભક્તિની યાત્રા વધુ સુગમ અને આરામદાયક બને તેવા ઉમદા હેતુથી કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા વિશેષ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. વન અને પર્યાવરણના જતન સાથે લોકસેવાનો ઉત્તમ સમન્વય સાધીને વન વિભાગના કર્મયોગીઓ હાલ પદયાત્રીઓની સેવામાં જોડાયા છે.

કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલની પ્રેરણાથી અને કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરના સીધા માર્ગદર્શન હેઠળ દયાપર ઉત્તર વન્યજીવ રેન્જ તેમજ દયાપર દક્ષિણ રેન્જ દ્વારા માતાના મઢ દર્શનાર્થે પધારતા પદયાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દયાપર ફોરેસ્ટ કેમ્પ ખાતે વિશેષ શમિયાણો ઊભો કરીને તેમજ દયાપર દક્ષિણ રેન્જના રેસ્ટ હાઉસ ખાતે યાત્રાળુઓની સવલત માટે સુચારુ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

લાંબા અંતરની પદયાત્રાને કારણે પદયાત્રીઓને થતા શારીરિક થાક અને પગના દુખાવામાં ત્વરિત રાહત મળી રહે તે માટે વન વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સેવા કેમ્પમાં પદયાત્રાળુઓ માટે પગના મસાજ માટેના મસાજર, શેક કરવા માટે ગરમ પાણીની થેલીઓ તેમજ પ્રાથમિક સારવાર અને મલમ-પટ્ટીની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે.

આ ઉપરાંત, દયાપર ઉત્તર વન્યજીવ રેન્જ અને દયાપર દક્ષિણ રેન્જ દ્વારા યાત્રાળુઓ માટે શુદ્ધ પીવાના પાણી, ગરમાગરમ ચા-નાસ્તો, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ તેમજ થાક ઉતારવા માટે હવાઉજાશવાળા મંડપમાં ગાદલા સાથે આરામ કરવાની પણ આરામદાયક વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ મિત્રો દ્વારા ખડેપગે રહીને કરવામાં આવતી આ નિઃસ્વાર્થ સેવાને પદયાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment