ભાવનગરના શેવડીવદર ગામના ખેડૂત છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી અમદાવાદની બજારમાં ઉત્પાદનો વેચે છે

હિન્દ ન્યુઝ, ભાવનગર

      એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરવતા ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેવડીવદર ગામના એક ખેડૂત છેલ્લાં છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમનો મબલખ પાક અમદાવાદની બજારમાં વેચી કમાણી કરી રહ્યા છે. શેવડીવદર ગામના ખેડૂત નરવણસિંહ ગોહિલે છ વર્ષ પહેલાં આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના ફાયદા જાણવા મળતા તેઓએ પ્રાકૃતિક ખેતી શરુ કરી હતી. આજે તેઓ વિઘા દીઠ દોઢથી બે લાખની આવક મેળવે છે. આ ઉપરાંત છ વર્ષમાં પચાસ હજારથી વધુ ખેડૂત તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ એમના પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન થકી તેઓ પણ લાખેણી આવક મેળવતા થયા છે.  

 નરવણસિંહ ગોહિલ અત્યાર સુધીમાં ચાર વખત માનનીય રાજ્યપાલનાં હસ્તે સન્માન પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેઓ દર શનિવારે પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ માટે આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા પંચાયત દ્વારા ચાલતી અમૃત ખેડૂત બજાર ભાવનગર અને અમદાવાદની (શ્રુષ્ટિ સંસ્થા) પ્રાકૃતિક બજારમાં જઈને રવિવારે આખો દિવસ શાકભાજી અને ફળ વહેચીને જાતે માર્કેટિંગ કરી લાખોની આવક મેળવે છે. ઉપરાંત તેઓ સરકારની સહાયથી દેશી તેલના ઘાણા, હળદર, ધાણા જીરું અને મરચા દળવાના મશીનો પણ મૂકી જાતે મૂલ્યવર્ધન કરી સારુ માર્કેટિંગ કરે છે.

તેઓ આગવી સૂઝથી પ્રાકૃતિક ખેતી દ્રારા એક વિઘામાં દોઢ થી બે લાખની આવક મિશ્ર પાક દ્વારા મેળવે છે રાજ્ય સરકાર દ્રારા લાભાર્થી નરવણસિંહ ગોહિલને આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતનો સમય, ખર્ચ અને પાણીનો બચાવ તો થયો જ છે સાથે સાથે ઓર્ગેનિક ઉત્પાદન હોવાથી પાકની સારી એવી કિમત પણ મળી રહી છે.

પ્રગતિશીલ ખેડૂત નરવણસિંહ ગોહિલ જણાવે છે કે શરૂમાં એક વર્ષ પરંપરાગત ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ વળતાં તકલીફ પડી હતી પરંતુ યોગ્ય દિશામા મહેનત અને માર્ગદર્શન થકી બીજા જ વર્ષથી પ્રાકૃતિક ખેતીમાંથી સારી ઉપજ મેળવતા થયા છે. ખેતી પાકમાં રાસાયણિક દવાના છંટકાવથી ઝડપથી લાભ મળી શકે પણ લાંબા ગાળે તે જમીન અને લોકોના આરોગ્ય માટે પણ નુકશાનકારક બની શકે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે તેઓ શાકભાજીમાં પરવળ, તુરીયા, કરેલા, દૂધી, ટીંડોરા, વલોર, તુંબડી, ગલકા, કંટોલા, પરવળ, ચોળી, રીંગણ, ટમાટર, મરચાં, હળદળ, શક્કરીયાં, ભીંડો, ગુવાર, બીટ, કોબી, ફલાવર, બ્રોકોલી, ગુલાબી ફ્લાવર, પીળો ફલાવર, લીલા વટાણા, ફણશી અને કોથમીર તેમજ પાંચ જાતના કેળા અને કેરીનું ઉત્પાદન મેળવે છે.   

પ્રાકૃતિક ખેતીના પંચામૃત ગણાતા જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા(ભેજ) અને જૈવ વૈવિધતા પાંચ સિદ્ધાંતો પોતાના ખેતરમાં જોવા મળે છે. આ ઉપરાંત નુકશાનકારક જીવાત નિયંત્રણ અને મિત્રકીટકની સંખ્યા વધારે તે માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક પણ બનાવે છે. તાલુકા કક્ષાનો અને જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મરનો એવોર્ડ આત્મા પ્રોજેક્ટ દ્વવારા તેઓને પ્રાપ્ત થયેલ છે ઉપરાંત ચાર વખત રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનપત્ર પણ મેળવી ચૂકયા છે. 

તેમને માલવાહક ગાડી માટેની સહાય, કેળના ટીસ્યુ, પાકા મંડપ, આત્મા પ્રોજકટ ગાય નિભાવ ખર્ચ, વેલાવાળા શાકભાજીના કાચા મંડપની સહાય, વેલાવાળા હાઇબ્રીડ બિયરણો ઉપરાંત PMFME યોજના દ્વારા તેલ કાઢવાની મીની ઓઇલ મિલ અને મરી મસાલાના યુનિટ પણ નાખ્યા છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મરચા દળવાનું યુનિટ પણ આપવામાં આવેલ છે આ સહિતની ઘણી સરકારી યોજનાઓનો લાભ મળી ચૂક્યો છે.         

તેમણે જણાવ્યું હતું કે માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહી છે ત્યારે બાગાયત ખાતાના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર ખેડૂતની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે

ભાવનગર બ્યુરો ચીફ : ડો હકીમ ઝવેરી

Related posts

Leave a Comment