વેરાવળના ભાલકાતીર્થ ખાતે સ્થાપિત એફ એમ ટ્રાન્સમીટરનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ વર્ચ્યુઅલ લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 રેડિયોના માધ્યમથી શ્રોતાઓ અને સ્થાનિક જનતા મનોરંજન, માહિતી, સમાચાર તથા સૂચનાઓનો મહતમ લાભ મેળવી શકે તેવા શુભહેતુથી સમગ્ર ભારતમાં અંદાજે ૧૦૦ વોટના કુલ ૯૧ એફ.એમ ટ્રાન્સમીટર્સનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં ભાલકાતીર્થ ખાતે ૧૦૦.૧૦ Mhz ફ્રિકવન્સી ધરાવતા એફએમ ટ્રાન્સમીટરનો પણ સમાવેશ થાય છે.

આ વર્ચ્યુઅલ લોકાર્પણમાં પ્રસારભારતી અને આકાશવાણી દ્વારા નેશનલ બ્રોડકાસ્ટર તરીકે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, વેરાવળ અને ખંભાળિયાને એફ. એમ ટ્રાન્સમીટર્સની ભેટ મળી છે. જેમાં વેરાવળમાં ૧૦૦.૧૦ Mhz ફ્રિકવન્સી દ્વારા સ્થાનિક શ્રોતાઓ લોકસંસ્કૃતિ, સંવાદ, વાર્તાલાપ સહિતના મનોરંજક અને જ્ઞાનવર્ધક કાર્યક્રમો સહિત સરકારની વિવિધ યોજનાની માહિતી પણ મેળવી શકશે.

આ એફએમ સ્ટેશન દ્વારા સવારે ૬:૦૦ કલાકથી બપોરના ૩:૦૦ કલાક તેમજ સાંજના ૫:૦૦ કલાકથી રાત્રીના ૧૧:૦૦ કલાક સુધી આકાશવાણી દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે. જેનો સ્થાનિક શ્રોતાઓને લાભ મળશે.

આ તકે, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી તેમજ વિક્રમભાઈ પટાટ સહિત અગ્રણીઓ અને આકાશવાણી રાજકોટ સહાયક નિર્દેશક રાજેશ વ્યાસ, પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ સલિમ સોમાણી, પૂર્વ એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ મેણંદ દાસા, જુનિયર આસિસ્ટન્ટ વિશાલ સિંહ સહિત સ્થાનિક શહેરીજનોએ પણ એફએમ રિલે કેન્દ્રના લોકાર્પણના સમગ્ર સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું.

Related posts

Leave a Comment