હિન્દ ન્યુઝ,સુરત
ગુજરાતમાં એક માત્ર પ્લાન્ટ ધરાવતા વૈષ્ણવી એકવાટેક આખા વિશ્વમાં ગુજરાત સહિત જંબુસરનું નામ રોશન કરશે
ઝીંગાના બીજ માટે ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જતા વેપારીઓને મોટી રાહત થશે: કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા
ઝીંગા ઉછેર વ્યવસાયમાં ભરૂચ જિલ્લામાં ઘરઆંગણે ઝીંગા બીજ ઉપલબ્ધ બનશે
કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિભાગના મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના વરદહસ્તે જંબુસર તાલુકાના દહેગામ ખાતે વૈષ્ણવી એકવાટેક બીએમસી બ્રુડર મલ્ટીપ્લીકેશન સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાએ પવિત્ર શ્રાવણ માસની તેમજ મહોરમના પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક માત્ર પ્લાન્ટ ધરાવતા વૈષ્ણવી એકવાટેક આખા વિશ્વમાં ગુજરાત સહિત જંબુસરનું નામ રોશન કરશે. કાપડ અને હીરા ઉદ્યોગ પછી મત્સય ઉદ્યોગ પૂરઝડપે વિકસી રહયો છે. ઝીંગા બીજ માટે ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જતા વેપારીઓને મોટી રાહત થશે. ગુજરાતના વેપારીઓને અહીંથી બિયારણ મળી રહેશે તેમ જણાવ્યું હતું. આ વેળાએ કેન્દ્રિય મંત્રીએ કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓની વિગતવાર સમજ આપીને તેનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, એપીએમસીના ચેરમેન વનરાજસિંહ મોરી, નાયબ કલેકટર કલસરીયા, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ફિશરીઝ એચ.વી.મહેતા, આગેવાન પદાધિકારી-અધિકારીઓ, વૈષ્ણવી એકવાટેક બીએમસી બ્રુડર મલ્ટીપ્લીકેશન સેન્ટરના અધિકારીગણ, રાજ્ય તેમજ અન્ય રાજયના ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.