હિન્દ ન્યુઝ, ભરૂચ
સંયુક્ત રાષ્ટ્રસંઘ ધ્વારા દર વર્ષે ૯ મી ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાતના અનુસંધાને આદિજાતિ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા આયોજીત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભરૂચ જિલ્લાના વાલીયાની શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ આદિવાસી સાંસ્કૃત્તિક કલામંડળો, વિદ્યાર્થીઓએ પરંપરાગત આદિવાસી નૃત્યો, વેશભૂષા અને ઢોલ નગારાની સંગીતમય સૂરાવલીઓ સાથે મહાનુભાવોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત ટુંકી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવતા અધ્યક્ષપદેથી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત ભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,આદિવાસી સમાજમાં છેલ્લા બે દાયકાથી શિક્ષણનું પ્રમાણ વધ્યું છે.જેના પરિણામે આ સમાજે દેશને આઇ.એ. એસ તથા આઈ.પી.એસ પણ આપ્યા છે.જે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લેવાયેલ જનહિતલક્ષી નિર્ણયોનું પરિણામ છે.આ ઉપરાંત દેશના પ્રથમ નાગરિકના સ્વરૂપમાં આદિવાસી સમાજની દિકરી એવી શ્રીમતી દ્રૌપદી મૂર્મુ બન્યા આદિવાસી સમાજ માટે ગૌરવ સમાન ઘટના ગણાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજમાં અન્ય સમાજની સરખામણીમાં દીકરા કરતાં દીકરીનું પ્રમાણ વધારે જોવા મળે છે.જે દર્શાવે છે કે,આદિવાસી સમાજ દીકરા – દીકરીના ભેદમાંથી ઉપર ઉઠીને જાગૃત થયો છે.આ ઉપરાંત આદિવાસી સમાજ માટે સરકારશ્રી તરફથી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.તેનો લાભ લેવા માટે પણ નાયબ મુખ્ય દંડક દુષ્યંત ભાઈ પટેલે ઉપસ્થિતિ લોકોને આહવાન કર્યું હતું. આ વેળાએ વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુભાઈ વસાવાએ આદિવાસી દિવસની લોકોને શુભકામનાઓ પાઠવી હતી.આ દિવસની ઉજવણી પાછળ સરકારે છેવાળાના લોકોનો પણ વિકાસ થાય તે માટે અથાક પ્રયત્નો કર્યા તે માટેની પ્રતિબદ્ધા દર્શાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ અવસરે મહાનુભાવોના હસ્તે ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને, રમતવીર, પ્રગતિશીલ ખેડૂત, સમાજ સેવક, પ્રગતિશીલ પશુપાલક જેવા આદિવાસી ભાઈઓને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત કુંવરબાઈ મામેરૂં યોજનાની સહાય, માનવ ગરીમા હેઠળ ઈલેક્ટ્રોનિકસ સાધનોની કીટ, હળપતિ આવાસ, મકાન સહાયના, આંબાની કલમ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, ઈન્દિરાગાંધી રાષ્ટ્રીયવૃધ્ધ પેન્શન યોજના વિગેરે યોજનાના લાભાર્થીઓને અપાયેલ લાભોના ચેક તથા મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. આ ઉપરાંત રૂ.૨.૮૬ કરોડનાં ૧૦૫ કામોનું ખાતમુહૂર્ત પણ આ પ્રસંગે કરાયું હતું. આ વેળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દાહોદ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. આજના પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે,આજના દિવસે ટ્રાયબલ વિસ્તારના વિકાસ માટે નવા આયામો પ્રાપ્ત કરવાની નેમ વ્યક્ત કરવાની સાથે લોકોને આદિવાસી દિવસની શુભકામના પણ પાઠવી હતી.અંતમાં આભારવિધિ પ્રાયોજના વહીવટદાર જે.પી.અસારીએ કરી હતી. અંતમાં રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા, ઝગડીયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લીલાબેન વસાવા વગેરે પદાધિકારી તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, આગેવાન-પદાધિકારીશ્રીઓ, આદિવાસી વિવિધ સંસ્થાના હોદ્દેદારો તેમજ આદિવાસી સમાજના અગ્રણીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.