હિન્દ ન્યુઝ, સુરત
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા સૌપ્રથમવાર ‘તા.૯મી ઓગસ્ટ: વિશ્વ આદિવાસી દિવસ’ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સિવિલ પરિસરમાં કેક કાપીને તેમજ પુષ્પઅર્પણ કરીને આ પ્રકારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌએ પરસ્પરને શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ હર ઘર તિરંગા અભિયાનને અનુલક્ષીને સૌએ રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર નર્સિંગ સ્ટાફે કોવિડ મહામારીમાં પરિવારથી દૂર રહીને જીવના જોખમે કોવિડ દર્દીઓ તેમજ આમ નાગરિકો માટે આરોગ્ય સેવા બજાવી છે, જેની સમગ્ર વિશ્વએ નોંધ લીધી છે. ઘણા આદિજાતિ યુવા ભાઈ-બહેનોએ નર્સિંગ ક્ષેત્રે પીએચડી અને એમએસસી જેવી પદવીઓ મેળવીને તજજ્ઞ બન્યા છે અને આરોગ્ય ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે એમ જણાવી તેમણે આદિવાસી દિનની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉજવણી દરમિયાન ‘જય જોહાર, જય આદિવાસી, જય જય ગરવી ગુજરાત અને જય હિન્દ’ જેવા સૂત્રોના નાદ સાથે નર્સિંગ એસોસિએશનના સભ્યો અને નર્સિંગ સ્ટાફે સામૂહિક ઉજવણી કરી પરસ્પર આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સકુબેન ગામીત, નવી સિવિલના પીએસએમ વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને સેનેટ મેમ્બર ડો.વિપુલભાઈ ચૌધરી, નર્સિંગ એસોસિએશનના સભ્યો- વિભોર ચૂગ, નરેશ બારીયા, વિરેન પટેલ, ચેતન આહિર સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા