ગીર સોમનાથ પોલીસ વિભાગે વરસાદમાં બંધ પડેલા વાહનોને ધક્કા મારી પૂર્વવત કર્યો વાહન વ્યવહાર, સાર્થક કર્યું ‘May I Help You?’નું સૂત્ર

 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

        ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે લોકોની મુશ્કેલી સામે જિલ્લા પોલીસ વિભાગ ‘મે આઈ હેલ્પ યુ?’ શબ્દોને ખરા અર્થમાં સાર્થક કરી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં પણ પ્રભાસ પાટણ પોલીસની આવી જ સરાહનીય કામગીરી સામે આવી હતી. જ્યાં વરસતા વરસાદમાં બંધ પડેલા વાહનોને ધક્કો મારી રસ્તો ક્લિયર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

            ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ફાટક પાસે વરસાદનું પાણી ભરાવાનાં કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. જેની જાણ પ્રભાસ પાટણ ટ્રાફિક પોલીસના જવાનોને થતાં જ વરસાદ વચ્ચે તાત્કાલિક સુત્રાપાડા ફાટક પાસે પહોંચીને ટ્રાફિક સમસ્યાઓનો ઉકેલ લાવ્યો હતો. પાણી ભરાયેલું હોવાના કારણે ફોરવ્હીલ તથા ટ્રક જેવા મોટા વાહનો બંધ થઈ ગયા હતાં. આ તમામ બંધ પડેલા વાહનોને પ્રભાસ પાટણ ટ્રાફિક પોલીસના જવાનોએ ધક્કા મારી અને પાણીમાંથી બહાર કાઢ્યા હતાં અને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.

ઉપસ્થિત ટ્રાફિક પોલીસ જવાનોમાં હેડ કોન્સ્ટેબલ ચિંતનભાઈ તથા પોલીસ વિભાગના જયભાઈ તથા પીસી દેવજીભાઈ તેમજ પીસી પ્રવીણભાઈ તથા હોમગાર્ડ જવાન નીલેશભાઈએ સાથ સહકાર આપીને ટ્રાફિક ક્લિયર કર્યો હતો અને આ રીતે જિલ્લા પોલીસતંત્રના ‘મે આઈ હેલ્પ યુ?’ શબ્દોને ખરા અર્થમાં સાર્થક કર્યા હતાં.

Related posts

Leave a Comment