છોટાઉદેપુર જિલ્લામાં મહિલા મતદારોની ભાગીદારી વધારવા માટે આયોજનબદ્ધ કાર્ય કરવાનું સુચવાતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તારીખ ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં જિલ્લાના મહિલા મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ ગત વિધાનસભા ચૂંટણીમાં જે મતદાન મથક ઉપર સ્ત્રી-પુરુષ મતદાનમાં ૮ ટકાથી વધુ તફાવત હોય તેવા મતદાન મથકના મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા માટેના આયોજન અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય, મતદારોને મતદાન મથક પર જરૂરી સુવિધાઓ મળી રહે તેમ જ કોઈપણ મતદાર મતદાનથી વંચિત ના રહી જાય તે જોવા સંબંધિતોને અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જિલ્લામાં મહિલા મતદારોની ભાગીદારી વધારવા માટે આયોજનબદ્ધ રીતે કાર્ય કરવા સૂચવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ગત વિધાનસભા ચૂંટણીમાં જે મતદાન મથક ઉપર સ્ત્રી-પુરુષ મતદાનમાં ૮ ટકાથી વધુ તફાવત હોય તેવા મતદાન મથકના મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા, તેમનો સંપર્ક કરીને મતદાન ઓછું થવાના કારણો જાણીને જરૂરી સૂચનો મેળવવા જણાવ્યું હતું. તેમણે આ ચૂંટણીમાં સ્ત્રી-પુરુષ મતદાનની ટકાવારીનો તફાવત દૂર થાય તેમજ પુરુષો કરતા મહિલા મતદાન વધારે થાય તેવું આયોજન કરવા અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત મહિલા મતદાન વધુ થાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવા, મતદાનના દિવસે સગર્ભા, દિવ્યાંગ મહિલાઓ તથા ૮૦ વર્ષ કરતા વધુ ઉંમરના વૃદ્ધ મહિલાઓને મતદાન મથક પર આવવા જવા અંગે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સગર્ભા અને ધાત્રી મહિલાઓને લાઈનમાં ઉભા ન રાખતા, તેમને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.

જિલ્લામાં વધુમાં વધુ મહિલાઓ મતદાન કરે તે બાબતે ભાર મૂકીને ધામેલિયાએ દૂરના ફળીયામાં રહેતા બહેનો તથા ડુંગરાળ વિસ્તારના અમુક જ્ઞાતિના બહેનો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવા સંબંધિતોને સૂચવ્યું હતું. આ ઉપરાંત પ્રથમ વખત મતદાન કરનાર કિશોરીઓને પ્રેરિત કરીને મતદાન મથક સુધી લાવવા અંગે જરૂરી આયોજન કરવા જણાવ્યું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે જિલ્લામાં મહિલા મતદાર વધુમાં વધુ મતદાન કરે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવાનું જણાવીને સ્ટાફ નર્સ, આંગણવાડી બહેનો સહિતના કર્મચારીઓ દ્વારા મતદાન અંગે જાગૃતિ માટે રંગોળી/મહેંદી સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો યોજવા તેમજ ડોર ટુ ડોર વિઝીટ લઈને મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા સંબંધિતોને સૂચવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણી, જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment