૨૧ જૂનના રોજ બોટાદ જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ સરકારી હાઈસ્કૂલ, બોટાદ ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

૨૧મી જૂન – ૨૦૨૫ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણીનાં સુચારૂ આયોજનના ભાગરૂપે બોટાદ નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાતની અધ્યક્ષતામાં ક્લેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણીની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કામગીરી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન બોટાદ નિવાસી અધિક કલેક્ટરએ દર વર્ષની જેમ આ વર્ષે ૨૧મી જૂને પણ બોટાદ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે થાય અને બહોળી સંખ્યામાં લોકો ભાગીદાર બની યોગ કરે તેમજ સુંદર અને સુવ્યવસ્થિત કાર્યક્રમો યોજાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. બોટાદ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરકારી હાઈસ્કૂલ, બોટાદ ખાતે યોજાશે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ દ્વારા માનવજાતને મળેલી એક અમુલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક પર લાવવા તેમજ માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાની ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં ૨૧ મી જૂનના દિવસે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવભાઈ પટેલ, પ્રાંત અધિકારીઓ સહિતના સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment