હિન્દ ન્યુઝ, ડાંગ
આઝાદી પછી એટલે કે ૬૦-૭૦ વર્ષ પહેલા દેશમાં ખાદ્યાન્ન ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે હરિત ક્રાંતિ માટે રાસાયણિક કૃષિ એ સમયની માંગ હતી. પરંતુ, હવે રાસાયણિક ખેતીની વિપરીત અસરો સામે આવી રહી છે. પરંતુ, હવે પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની પ્રાથમિક જરૂરિયાત છે અને ખેતીના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પણ છે. પ્રાકૃતિક કૃષિથી કૃષિના નવા યુગનો પ્રારંભ થયો છે.
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના જન અભિયાને વેગ પકડ્યો છે, ત્યારે આ લેખમાં આપણે પ્રાકૃતિક કૃષિ શું છે, શા માટે છે અને તેના ફાયદા શું છે? તે જાણીશું..
પ્રાકૃતિક કૃષિ એટલે સરળ શબ્દોમાં કહીએ તો પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. આ પદ્ધતિમાં પાકની વૃદ્ધિ માટે જરૂરી ઈનપુટ (ખેતી સામગ્રી) બહારથી ન લેતાં, પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ બનાવવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતી શા માટે? અથવા તેના ફાયદા..
– જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા માં વધારો
– માત્ર એક દેશી ગાયના ગોબર-ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે
– નહિવત ઉત્પાદન ખર્ચ, વધારે ઉત્પાદન અને વધારે આવક
– ૯૦ ટકા પાણીની બચત
– પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્ય નું રક્ષણ, પોષણ અને સંવર્ધન
– ગામ અને દેશ સ્વાવલંબન નું નિર્માણ
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા ખેડૂતોએ શું કરવું ?
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડૂતોએ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઈએ અને દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત/ઘન જીવામૃતનો ઉપયોગ કરીને જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું અને પ્રાકૃતિક કૃષિના પાંચ આધારસ્તંભ મુજબ સંપૂર્ણ ખેતી કરવાથી સારા પરિણામો મળે છે.
