નરેન્દ્રભાઈ મોદીએ “વિકાસ ભી, વિરાસત ભી”નો મંત્ર સાકાર કર્યો : મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ,

       મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, એશિયાટીક લાયન-ગીરના સાવજના જતન-સંવર્ધન અને સંરક્ષણના સફળ પરિણામદાયી પ્રયાસોથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “વિકાસ ભી, વિરાસત ભી”નો મંત્ર સાકાર કર્યો છે.

મુખ્યમંત્રીએ ભારત સરકારના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા IBCA સમિટ ભારત-2026ના પૂર્વાર્ધરૂપે સાસણ ગીરમાં યોજાઇ રહેલી સૌપ્રથમ પ્રિ-ઈવેન્ટ ઓન લાયન કન્ઝર્વેશનનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો.

કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી પ્રવીણકુમાર માળી આ પ્રિ-ઈવેન્ટમાં સાસણગીર ખાતે પ્રત્યક્ષ સહભાગી થયા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી તા.1 અને 2 જૂનના દિવસોએ નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ યોજાશે. આ સમિટની પ્રિ-ઈવેન્ટ દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ થીમ સાથે યોજાવવાની છે. તદઅનુસાર, સાસણગીરમાં સિંહ, ભોપાલમાં ચિતા, ભુવનેશ્વરમાં દીપડા, ગેંગટોકમાં સ્નો લેપર્ડ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘ સરક્ષણ અંગેની ઈવેન્ટ યોજાશે.

મુખ્યમંત્રીએ સાસણની આ પ્રિ-ઈવેન્ટને બિગ કેટના સંવર્ધન માટેના વડાપ્રધાનશ્રીના વિઝનને સમજવા માટેનું ઉત્તમ સ્થળ ગણાવી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ ગીર સેન્ચ્યુરી અને સિંહના જતન માટે જે પગલાં લીધા તેના અનુભવ પરથી દેશમાં બિગ કેટ સંવર્ધનને વેગ મળ્યો છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ઇકોલોજી સાથે ઇમોશન જોડીને લોકલ ઇકોનોમીને વેગ આપવા સાથે પર્યાવરણ જાળવણીનો વડાપ્રધાનનો અભિગમ ગુજરાતમાં ચરિતાર્થ થયો છે.

સિંહ સરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની બેસ્ટ પ્રો- એક્ટિવ પ્રેક્ટિસિસને પરિણામે સિંહની વસ્તી જે 1991માં 284 હતી તે વધીને આજે 891 જેટલી થઈ છે. 

એટલું જ નહિ, સિંહના વિચરણનો વિસ્તાર પણ પાછલા અઢી દાયકામાં ત્રણ જિલ્લાથી વધીને 11 સુધી પહોંચ્યો છે. પોરબંદરના બરડા પંથકમાં સિંહોનું કુદરતી રીતે આગમન થયું છે અને સરકારના પ્રયાસોથી બરડા અભ્યારણ્ય એશિયાટીક લાયનનું નવું રહેઠાણ બન્યું છે. 24 જેટલા સિંહ આજે બરડામાં વસવાટ કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વનરાજની વૈભવ વિરાસત જળવાઈ રહે અને વન્યજીવ સૃષ્ટિનો પણ વિકાસ થાય તે હેતુથી વડાપ્રધાનશ્રીએ 2000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લાયન શરૂ કરાવ્યો છે તેની પણ વિશદ ભૂમિકા આપી હતી.

તેમણે આ અંગે જણાવ્યું કે, સિંહો માટે બ્રિડિંગ સેન્ટર, આઈસોલેશન સેન્ટર, સારવાર કેન્દ્ર આધુનિકરણ, રેડિયો કોલર અને ડ્રોન સર્વેલન્સની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

આ પ્રોજેક્ટ લાયન “બૃહદ ગીર”ના સર્વાંગી વિકાસ માટે સિંહ સંવર્ધન ઉપરાંત સ્થાનિક લોકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે પણ ઉપયોગી બનશે તેમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ આ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ વડાપ્રધાનના દિશાદર્શનમાં વન્યજીવ સૃષ્ટી અને પર્યાવરણ સંરક્ષણ માટે “જીવમાં શિવ” અને “પૌધામાં પરમાત્મા”ની સંસ્કૃતિનું વિશ્વને દર્શન કરાવનારી સમિટ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય વન અને પર્યાવરણ તથા જલવાયુ મંત્રી ભૂપેન્દ્ર યાદવ

કેન્દ્રીય વન અને પર્યાવરણ તથા જલવાયુ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દિલ્હી ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટના સંદર્ભમાં જણાવ્યું કે, ભારતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં પ્રકૃતિ પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે નવું વિઝન આપ્યું છે. બિગ કેટ એટલે કે બિલાડી કુળના મુખ્ય પ્રાણીઓ સહિતના પ્રાણીઓના સંરક્ષણ માટે સર્વે હિતધારકોને એક મંચ પર લાવવા માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટના માધ્યમથી મનોમંથન થશે અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આધાર સ્તંભ રૂપ દિલ્હી ડેકલેરેશન પણ જાહેર કરવામાં આવશે. 

આ સમિટમાં વિશ્વના સત્તા વાહકો, વન્ય પ્રાણીક્ષેત્રના નિષ્ણાંતો, સાયન્ટિસ્ટ, કોર્પોરેટ સહિતના લોકો ભાગ લેશે. તેથી વન્ય પ્રાણીઓના સંરક્ષણ સહયોગ વધુ સુદ્રઢ બનશે. આ સમિટની થીમ પણ બિલાડી કુળના વન્ય પ્રાણીઓના સંરક્ષણ તથા માનવતા અને પૃથ્વી પર્યાવરણના જતનની રહેશે. 

તેમણે ઉદઘોષણા કરતા જણમવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ અલાયન્સ (IBCA)ની પરીકલ્પના અને પહેલ વર્ષ ૨૦૨૩માં કરવામાં આવી હતી. હવે ૧ જૂન ૨૦૨૬ના રોજ તેમના માર્ગદર્શનમાં ભારત મંડપમ નવી દિલ્હિમાં IBCA શિખર સંમેલનનું યજમાન ભારત બનશે. બિલાડી કુળની આ સાત પ્રજાતિ વિશ્વના ૫૫ દેશોમાં વસે છે.

વધુમાં તેઓએ કહ્યુ હતું કે, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ રોલ મોડલ પૂરું પાડ્યું છે, સમગ્ર વિશ્વમાં આફ્રિકન લાયન સહિતના સિંહોની વસ્તી ઘટી રહી છે ત્યારે એશિયાઈ સિંહો વસ્તીમાં ૩૨ ટકાનો વધારો થતાં જેની સંખ્યા ૮૯૧ થઈ છે. સિંહોના સંરક્ષણ માટે નવા રહેઠાણો પણ વિકસાવવામાં આવ્યા છે, તેમાં બરડા અભયારણ્ય વિસ્તાર ઉભરી આવ્યું છે. સૌરાષ્ટ્ર ગુજરાતની જનતાના સન્માનનું પ્રતિક બનેલા સિંહ અને તેના સંરક્ષણના મોડલને સમગ્ર વિશ્વ સમક્ષ આગળ વધારવા માંગીએ છીએ.

તેમણે કહ્યું કે, મનુષ્ય દરેક વસ્તુનું સર્જન કરી શકે છે પરંતુ જીવનું નિર્માણ કરી શકતો નથી, આપણી સંસ્કૃતિ પણ કરુણાના ગુણ પર વિશેષ ભાર આપે છે એટલે કે સમગ્ર પૃથ્વી માત્ર મનુષ્ય માટે જ નથી પરંતુ જીવ સૃષ્ટિ માટે પણ છે, એટલે તેનું સંરક્ષણ કરવું એટલું જ જરૂરી છે. 

તેમણે પ્રગતિ માટે આર્થિક વિકાસની સાથે ઇકો સિસ્ટમની પણ જાળવણી થાય તેના પર ભાર આપતા જણાવ્યું કે, જે પ્રકૃતિની રક્ષા કરે છે તેની પ્રકૃતિ પણ રક્ષા કરે છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સાસણની ભૂમિ પર ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રિ-ઈવેન્ટ યોજાઇ રહી છે તેનો સગૌરવ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ભૂમિ પર બિલાડી કુળના મુખ્ય એવા સિંહ અને દિપડો તો જોવા મળી રહ્યા છે, તેમાં ઉમેરો થતાં રતન મહાલ અભયારણ્યમાં વાઘની હાજરી પણ જોવા મળી છે. તે સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વાઘનો ગુજરાતની ભૂમિ પર વસવાટ કાયમી બને તેવા પ્રયાસો છે. 

ઉપરાંત ચિત્તાને પણ ગુજરાતમાં લાવવાની તૈયારી વિભાગ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં પર્યાવરણના જતન સાથે ઈકો સિસ્ટમ મજબૂત બની છે. 

ઇન્ટરનેશનલ બીગ કેટ એલાયન્સના ડાયરેક્ટર એસ.પી. યાદવે વિડિયો ફિલ્મ નિદર્શનના માધ્યમથી IBCAની પૂર્વ ભૂમિકા અને બિલાડી કુળના ૭ મુખ્ય વન્ય પ્રાણીઓની વૈશ્વિક પ્રેઝન્સના સંદર્ભમાં ચિતાર આપતા જણાવ્યું હતું કે, વિશ્વના સાત બિગ કેટમાં વાઘ, સિંહ, દીપડો, હિમ દિપડો, ચિત્તો, જેગુઆર અને પુમાનો સમાવેશ થાય છે તે પૈકી પાંચ એટલે કે વાઘ સિંહ દીપડો હિમ દીપડો અને ચિત્તો ભારતમાં જોવા મળે છે.

સાસણની આ પ્રિ ઇવેન્ટમાં સાસણની વન્ય જીવ સૃષ્ટિ અને સંવર્ધનના બ્રોસરનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વન રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી,વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ આર.સી.મીણા, ડૉ. એ.પી.સિંહ, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંહ, બી.પી. પાટી, રમેશકુમાર પાંડે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સીસીએફ ડૉ. રામ રતન નાલાના માર્ગદર્નમાં સાસણની વન વિભાગની ટીમે સમગ્ર ઈવેન્ટનું સંકલન કર્યુ હતું

Related posts

Leave a Comment