મતદાનના દિવસે ઉદ્યોગ જગતનો એકપણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે તેની ઉદ્યોગ ગૃહો કાળજી લે- કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

આગામી તા. ૭ મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે મતદાનના આ અવસરમાં ત્યારે સમાજના તમામ વર્ગો સાથે ઉદ્યોગ ગૃહો તથા તેના કર્મચારીઓ પણ સહભાગી થાય તે માટે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ અનુરોધ કર્યો છે.

આજે ઇણાજ ખાતે આવેલ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલ ઉદ્યોગ ગૃહો સાથેના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં દરેક ઉદ્યોગ ગૃહો કારીગર વર્ગની અનુકૂળતા મુજબ શીફ્ટ ગોઠવે અને ઉદ્યોગમાં કાર્યરત દરેક કર્મચારી મતદાન કરે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સાથે સવેતન રજા આપવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કલેકટરશ્રીએ ઉદ્યોગ ગૃહના કર્મચારીઓ તેમના પરિવારજનો સાથે મતદાનના દિવસે મતદાન કરી લોકશાહીની સાચી ઉજવણી સાર્થક કરે તે માટે અનુરોધ કર્યો હતો.

તેમણે ઉદ્યોગોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે, જો કોઇ કર્મચારી કંપનીમાંથી બદલાયો હોય તો તેમાં જરૂરી સુધારા-વધારા કરવા માટે કંપની આગળ આવે. આ માટે બ્લોક લેવલ અધિકારી જે-તે કંપનીમાં આવી જરૂરી સહકાર આપશે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં મતદાન વધે અને આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ચૂંટણી પંચ કાર્ય કરી રહ્યું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે માટે ઉત્સાહભેર તેમાં સામેલ થવું જોઈએ.

જિ્લ્લામાં મતદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે રક્તદાન, સમૂહ લગ્ન જેવા નાના પ્રસંગોમાં પણ સમગ્ર જિલ્લાનું તંત્ર જઈને સામાજિક પ્રસંગ સાથે લોકશાહીના પર્વની જાગૃતિ ફેલાવી રહ્યું છે, ત્યારે તેમાં ઉદ્યોગ ગૃહો પણ પાછળ ન રહી જાય તે સમયની માંગ છે તેમ કલેક્ટરએ ભારપૂર્વક જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી સ્નેહાલ ભાપકરે લોકશાહીમાં જ્યારે આપણને અધિકાર આપવામાં આવ્યો છે, ત્યારે તેની જવાબદારી પણ નિભાવવાનો આ અવસર છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સૌને સાથ સહકાર આપવા માટે તેમણે ઉપસ્થિત ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓને પ્રેરિત પણ કર્યા હતાં.

બેઠકમાં ઉપસ્થિત અંબુજા, ઇન્ડિયન રેયોન, જીએસસીએલ, સિધ્ધિ સિમેન્ટ જેવાં ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ તેમના ઉદ્યોગમાં મતદાન જાગૃતિ વિશે કરવામાં આવેલા પ્રયત્નોની વિગતો પૂરી પાડી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, જિલ્લાના વરષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓ, બિનસરકારી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment