હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ ગોકલાણીએ તેમને મળેલ સત્તાની રૂએ ભાડેથી મકાન આપતા મકાન માલિકો ઉપર કેટલાક નિયંત્રણ મુક્યા છે.
આ જાહેરનામા મુજબ કોઇપણ મકાન, ઔદ્યોગિક એકમ, ઓફીસ દુકાન, કોલ્ડ સ્ટોરેજ કે ગોડાઉન ભાડે આપે ત્યારે તથા ઘરઘાટી/મજુરો રાખે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય મકાન ભાડે આપી શકાશે નહીં. આ ઉપરાંત મકાન ભાડે આપતા સમયે મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, કયા વિસ્તારમાં છે તેની વિગત, મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું, જે વ્યક્તિઓને ભાડે આપેલ છે તથા ઘરઘાટી તરીકે રાખેલ હોય તેમના પાકા નામ, સરનામા, મોબાઈલ નંબર, ફોટા, ઓળખનો પુરાવો તેમજ મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઓળખના પુરાવા સહિતની વિગતો મેળવી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે.
આ જાહેરનામું તા.૨૧/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે, તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.