ભાવનગરના મોતીબાગ વિસ્તારની લાલ બહાદૂર શાસ્ત્રી પ્રાથમિક શાળા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર

      વંદે ગુજરાત વિકાસ યાત્રાના આજના ચોથા દિવસે ભાવનગરના મોતીબાગ વિસ્તારમાં યાત્રાનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અંગે મોતીબાગ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની નીતિઓએ લોકોના જીવનમાં ધળમૂળથી પરિવર્તન લાવવાનું કાર્ય કર્યું છે. સામાન્ય લોકોનું જીવન સુધરે અને તે બહેતર થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દિવસ રાત મહેનત કરે છે તેના કારણે આ શક્ય બન્યું છે.

    તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનના કારણે આજે આપણાં દેશની પ્રતિષ્ડા વિશ્વભરમાં ઉભી થઇ છે ત્યારે આપણી ફરજ છે કે તેમના કરેલાં કર્મોને વાગોળતાં રહીએ. તેમની દિવસ-રાતની મહેનત એળે ન જાય અને આપણાં સમાજ જીવનનું સ્તર ઉંચું આવે તે માટે સરકારની વિવિધ યોજનાઓથી અવગત કરાવવાં માટે આપના આંગણે આ રથ આવ્યો છે. સરકારની સાફ નિયત અને કાર્યશૈલીને કારણે આજે ભારત વિશ્વગુરૂ બનવાં તરફ અગ્રેસર થઇ રહ્યું છે. રાજ્યમાં અનેક યોજનાઓ બનાવી સમાજના છેવાડાના માનવીનું ઉત્થાન થાય તે માટે લેવાયેલાં પગલાઓ વિશેની તેમણે જાણકારી આપી હતી.

         મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયાએ જણાવ્યું કે, સરકાર દ્વારા એટલી બધી યોજનાઓ બનાવવામાં આવી છે કે, સવારથી સાંજ સુધી તેને ગણાવતાં રહીએ તો પણ તેનો પાર ન આવે. ગરીબ, સ્ત્રીઓ, બાળકો આ તમામ વર્ગને આવરી લેતી યોજનાઓ દ્વારા સમાજ વધુ ઉન્નત બને અને સમાજમાં સુખ, શાંતિ અને ભાઇચારો વધે તેવાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સમાજના નાનામાં નાના માણસ સુધી પહોંચીને તેને કઇ રીતે મદદ કરી શકાય તે માટેની ચિંતા અને ચિંતન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરી રહ્યાં છે તે આપણા સૌ માટે આનંદની વાત છે. ડબલ એન્જિનવાળી સરકાર દ્વારા સૌના સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે સૌના પ્રયાસથી સમૃધ્ધ સમાજ નિર્માણની પ્રતિબધ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. આ અવસરે વાનગી સ્પર્ધામાં વિજેતા બનેલી બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, સ્થાનિક કોર્પોરેટરઓ, શાળાનો શિક્ષણ ગણ તેમજ મોતીબાગ વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment