હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્ય સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ આરોગ્યતંત્ર દ્વારા જુદા – જુદા વિભાગના આરોગ્યલક્ષી સ્ટોલ દ્વારા જન જાગૃતિ લાવવામાં આવનાર છે.
તે અન્વયે આવતીકાલે એટલે કે, સોમવારે સવારે ૯-૦૦ થી સાંજના પ-૦૦ કલાક સુધી સિહોર ખાતે આવેલા ટાઉનહોલ ખાતે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વલ્લભીપુર ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આરોગ્ય મેળામાં પી.એમ.જે.વાય. ‘માં’ યોજનાના નવા કાર્ડ કાઢી આપવામાં આવશે.આ માટે લાભાર્થીએ આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે આવવાનું રહેશે.
તેમજ હાઇ બી.પી.ડાયાબિટીસ તેમજ સામાન્ય દર્દીની તપાસ- સારવાર, લેબોરેટરી, ટી.બી. રોગ અંગે જનજાગૃતિ, ચેપી, બિનચેપી રોગો અંગે જનજાગૃતિ, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં યોગ અને પ્રાણાયામ તથા જીવનશૈલીને સુધારવા માટે શું ખાવું ? શું ના ખાવું ? તે અંગે જાગૃતિ લાવવામાં આવશે.
આ ઉપરાંત હેલ્થ આઇ.ડી. કાર્ડ, કુટુંબ નિયોજન કાયમી- બિનકાયમી પદ્ધતિ અંગેની માહિતી આપવામાં આવશે. બ્લડ ડોનેશન કેમ્પ અને અંગદાન – મહાદાન કઈ રીતે કરવું તેની માહિતી પણ આપવામાં આવશે.
જીવનમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે રોજિંદા જીવનની ક્રિયાઓ અને કાર્યપદ્ધતિઓ અંગેની જાગૃતિ પણ આ મહા અભિયાન અંતર્ગત આપવામાં આવશે.
આ આરોગ્ય મેળાનો લાભ લેવા માટે જિલ્લા આરોગ્યતંત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ.કે.તાવિયાડ અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી મનસ્વીનીબેન માલવિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી