હિન્દ ન્યુઝ, ભાવનગર
આ મુલાકાતનું જીવંત પ્રસારણ ડી.ડી. ગિરનાર,YOU TUBE, બાયસેગના માધ્યમથી પ્રસારણ થનાર છે. જેનો લાભ લેવાં માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી. મિયાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. સ્વાભાવિક રીતે શિક્ષણ આપવું એટલે નવું શીખવું અને શીખવાડવું. ગુજરાતે ગુણોત્સવ અને પ્રવેશોત્સવ જેવાં પ્રકલ્પો દ્વારા સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો છે.
આ જ કડીમાં આગળ વધતા શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ એટલે શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલિત CCC (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર).
ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિનું માપન રાજ્ય કક્ષાએથી થાય તેવાં અદ્ભૂત પ્રકલ્પનું નિર્માણ CCC (કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતે ઊભું કરવામાં આવ્યું છે.
ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ (CCC)ની વિવિધ રાજ્યોના શિક્ષણ તજજ્ઞો મુલાકાત લઇ ચૂક્યાં છે. સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થાને નવી ઊંચાઈ પર લઇ જવા CCC એક સીમાસ્તંભ સાબિત થશે.
આ CCC ના માધ્યમથી ગુણોત્સવ ૨.૦, પ્રવેશોત્સવ ૨.૦, સ્કૂલ એક્રેડિટેશન, ઓનલાઈન એટેન્ડન્સ, સ્કૂલ રેડીનેસ, નિદાન કસોટી,એકમ કસોટી, FLN (પાયાની સાક્ષરતા), શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અને રાજ્યના CRC, BRC અને શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો સાથે વિડીઓ /ઓડીઓ કોલના માધ્યમથી દરરોજ મોનીટરીંગ કરવામાં આવે છે.
શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના સ્કૂલ રિપોર્ટ કાર્ડ, વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ, G-SHALA APP, એકમ કસોટી, સત્રાંત કસોટી, વાંચન સ્પીડ, વોટ્સ એપ સ્વમુલ્યાંકન, હોમ લર્નિંગ, દીક્ષા, યુ- ટ્યુબ, માઈક્રોસોફ્ટ ટીમ્સ વગેરે ડેટા ડેશબોર્ડમાંથી અનેક સ્તર(રાજ્ય,જિલ્લા,તાલુકા,ક્લસ્ટર,શાળા,વિદ્યાર્થી) સુધી ઉપલબ્ધ છે.
આ સમગ્ર પ્રકલ્પની વડાપ્રધાન તા.૧૮/૦૪/૨૦૨૨ સોમવારના રોજ સાંજના ૬.૦૦ કલાકે મુલાકાત લેવાનાં છે.
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બાળકો સાથે વાર્તાલાપ પણ કરવાનાં છે. ત્યારે શિક્ષણક્ષેત્રે રસ ધરાવનાર તમામ વાલીઓ, શિક્ષકો આ કાર્યક્રમ બહોળી સંખ્યામાં બાયસેગ,YOU TUBE , ડી.ડી. ગિરનાર ચેનલના માધ્યમથી આ પ્રસારણ જોઈ શકશે.
વડાપ્રધાનની મુલાકાત અન્વયે રાજ્યની તમામ શાળાના શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો શાળા સંચાલક મંડળ, શિક્ષક સંઘો , વાલીઓ, તેમજ ધોરણ ૧ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ આ પ્રસારણ નિહાળવાના છે.
વડાપ્રધાન ની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત નું જીવંત પ્રસારણ નિહાળવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેવી મિયાણી દ્વારા શિક્ષણ જગતને અનુરોધ કરવામાં આવ્યો છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી