ગામદીઠ એક ખેડૂત પ્રતિનિધિને માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપી તેમના દ્વારા અન્ય ખેડૂતોને શીખવવામાં આવશે પ્રાકૃતિક ખેતીના પાઠ

જામનગર,

તા.૫/૧૨/૧૯ થી સાત દિવસ સુધી રાજ્યભરમાં શરૂ થયેલ પ્રાકૃતિક ખેતી અંગેનું વડતાલ ખાતેથી જીવંત પ્રસારણ રાજ્યના તમામ જિલ્લામાં કરવામાં આવેલ હતું. આ દરમ્યાન જામનગર જીલ્લાના ઘૂનડા ગામે સંતશ્રી જેન્તીરામ બાપા આશ્રમ ખાતે ગત તારીખ ૦૫ ડીસેમ્બર થી ૧૧ ડીસેમ્બર દરમ્યાન પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનું આયોજન આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતી વિષય પર માર્ગદર્શન માટે યોજાયેલા આ વર્કશોપમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે તાલીમ આપવામાં આવી હતી. આ સેમીનારમાં જામનગર જિલ્લાના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી માહિતી અને માર્ગદર્શન મેળવેલ હતા.
આ સેમીનારના અંતિમ દિવસે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી અને તાલીમાર્થીને સંત શ્રી જેન્તીરામ બાપાના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ આત્મા પ્રોજેક્ટ જામનગરના પ્રાકૃતિક કૃષિ પર બનાવેલ કેલેન્ડરનું વિમોચન સંત શ્રી જેન્તીરામ બાપાના હસ્તે કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ નું સફળતાપૂર્વક આયોજન આત્મા પ્રોજેક્ટ જામનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એન.એ. કાલાવડીયાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર જીગ્નેશ પટેલ અને આત્મા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment