હિન્દ ન્યુઝ, નર્મદા
રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં તા. ૦૮ થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન “પોલિયો રસીકરણ અભિયાન”નો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે નર્મદાની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી-આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં પ્રથમ દિવસે ૨૨૪ બુથ પર પોલિયોનાં ટીપાં પિવડાવવામાં આવ્યાં હતાં. “પોલિયો રસીકરણ અભિયાન” અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવીના હસ્તે તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે રાજપીપલા નવા ફળિયા ગણેશ ચોક ખાતે, દેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના હસ્તે દેડિયાપાડા આંગણવાડી કેન્દ્ર બોગજ ખાતે જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢકના હસ્તે રાજપીપલા વડીયા પ્રાથમિક શાળા ખાતેથી “પોલિયો રસીકરણ અભિયાન” નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ વેળાએ નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યુ હતું કે, પોલિયો મુક્ત અભિયાન હેઠળ ગુજરાતના ૧૮ જિલ્લાઓ અને ૦૫ મહાનગર પાલિકામાં સબ નેશનલ ઈમ્યુનાઈઝેશન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નર્મદા જિલ્લાના બાળકોને પોલિયો ન થાય અને એમાંથી મુક્ત કરવા, નર્મદા જિલ્લામાં વિવિધ જગ્યાએ પોલિયો બુથ બનાવીને જિલ્લા અને અર્બન આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને ઈમ્યુનાઈઝેશનની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢકે જણાવ્યું હતું કે, સબ નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે નિમિત્તે જિલ્લાના દરેક આંગણવાડી અને શાળાઓ ખાતે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીંપા પિવડાવવાનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમ આરોગ્ય વિભાગ, આઈસીડીએસ સહિત સૌના સહકારથી જિલ્લામાં અન્ય તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી રહી છે. કુલ ૬૦ હજાર જેટલા બાળકોને આવરી લેવામાં આવનાર છે. વધુમાં નર્મદા જિલ્લાના તમામ ૦ થી ૫ વર્ષનાં બાળકને નજીકનાં બૂથ પર જઈને પોલીયોનાં બે ટીપાં અવશ્ય પીવડાવવા પણ અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસે ૨૨૪ બુથ પર પોલિયોનાં ટીપાં પિવડાવવામાં આવ્યાં હતાં. તેમજ આ ઝુંબેશ દરમિયાન નર્મદા જિલ્લાનાં કુલ ૬૦૦૦૦ બાળકોને જિલ્લાનાં આરોગ્ય કર્મીઓ દ્વારા પોલીયોનાં બે ટીપા પિવડાવવામાં આવનાર છે. અને તા. ૯ અને ૧૦ ડિસેમ્બરના રોજ બાકી રહેલા બાળકોને આરોગ્ય-કર્મી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની ૪૫૦ ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને પોલિયોનાં બે ટીપા પીવડાવવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં રાજપીપલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, ઈન્ચાર્જ જિલ્લા આર.સી.એચ અધિકારી ડો. ઝંખના વસાવા, આરોગ્ય સમિતીના ચેરમેન રશ્મિતાબેન વસાવા, નાંદોદ તાલુકા હેલ્થ ઓફિસર એ.કે.સુમન, તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. રંજન, લાછરસ મેડીકલ ઓફિસર ડો. મનિષા વસાવા, રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર મેડિકલ ઓફિસર ડો. પરિંદ વસાવા, સરપંચઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.