હિન્દ ન્યુઝ,
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની ૧૨૫ મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની પ્રેરક ઉપસ્થિતમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટરમાં “મેધાણી સાહિત્ય કોર્નર” મુકવામાં આવ્યું હતુ. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને નિવાસી અધિક કલેકટર પી. બી. પંડ્યા અને અધિક નિવાસી નાયબ કલેકટર યોગીરાજસિંહ ગોહિલે સાહિત્ય કોર્નરનું નિરીક્ષણ કરી ઉપલબ્ધ પુસ્તકો વિશેની રસપ્રદ માહિતી મેળવી હતી. રાજ્યની જિલ્લા કલેક્ટર કચેરીમાં આ પ્રકારનું સાહિત્ય કોર્નર મુકવાની પહેલ હાથ ધરાઇ હોય તેવી અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી પ્રથમ છે. ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય અને સાહિત્યથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી પિનાકી મેઘાણીની પ્રેરણાથી ગુજરાતભરમાં ૮૦ જેટલાં મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના લાયબ્રેરી, શાળા-કોલેજ, પોલીસ સ્ટેશન, જેલ વગેરેમાં થઇ છે. અમેરિકા સ્થિત સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી ડો. અક્ષય શાહ – અનાર શાહના સહયોગથી અહીં મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઇ છે. ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ અંતર્ગત ૧૨૫ મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થાય તેવી લોકલાગણી છે. મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલાં તેવાં સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીએ ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. આમાંનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો 6x3x1 ફૂટનાં કલાત્મક કાચનાં કબાટમાં વિષયવાર મૂકાયા છે. ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૨માં લખેલ પ્રથમ પુસ્તક કુરબાનીની કથાઓથી લઈને ૧૯૪૭માં અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા કાળચક્ર ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના, સિંધુડો, વેવિશાળ, સોરઠ તારાં વહેતાં પાણી, તુલસી-ક્યારો, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, રઢિયાળી રાત, સોરઠી સંતવાણી ખાસ ઉપલબ્ધ કરાયાં છે.