હિન્દ ન્યુઝ, આણંદ
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના બોરસદ ખાતે આવેલ કુમાર પ્રાથમિક શાળાના આનુષાંગિક સુવિધાઓ સાથેના નવનિર્મિત ૧૪ વર્ગખંડોનું લોકાર્પણ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના વરદહસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ ઉપસ્થિત સર્વેને માનવ જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતુ કે, જીવનની પ્રગતિનું સાચુ મધ્યમ શિક્ષણ છે. જેને ધ્યાને લઈ રાજય સરકાર ગુજરાતનું પ્રત્યેક બાળક ભણે, આગળ વધે તે માટે શિક્ષણક્ષેત્રે અનેક નવી યોજનાઓ કાર્યાન્વીત કરી, શાળાઓમાં ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવીને વિદ્યાધામોને સુવિધાસભર બનાવ્યા છે.
રાજય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવેલ આમુલ પરિવર્તનોની વાત કરતાં તેમણે ઉમેર્યું હતુ કે, બાળકોને ભણવા મટે કંઈ મુશ્કેલી ન પડે તે માટે અદ્યતન સુવિધા યુક્ત શાળાઓ બનાવવામાં આવી રહી છે. તેમાં સ્માર્ટ ક્લાસરૂમ તથા આનુષાંગિક સુવિધાઓ પણ કરવામાં આવી રહી છે. એકંદરે ખાનગી શાળા કરતા પણ સારી સવલત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. નાયબ મુખ્ય દંડકએ શિક્ષકોને અનુરોધ કરતાં વધુમાં કહયું હતુ કે, શિક્ષકોએ અભ્યાસમાં નબળા બાળકોના વાલીઓનો સમયાંતરે સંપર્ક કરીને બાળકોના અભ્યાસ માટે પ્રોત્સાહનરૂપ કાર્ય કરવા તેમજ વાલીઓ, દાતાઓ અને શિક્ષકો એક થઇને કાર્ય કરે તો સમગ્ર ગામનો ઝડપી વિકાસ થશે, તેમ પણ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ.૧.૭૨ કરોડના ખર્ચે કુમાર પ્રાથમિક શાળાના આનુષાંગિક સુવિધાઓ સાથેના નવનિર્મિત ૧૪ વર્ગખંડોનું નાયબ મુખ્ય દંડક અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે તેમના પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષણ ક્ષેત્રે બાળકોને કઈ પણ તકલીફ ન પડે તે માટે અદ્યતન સુવિધા યુક્ત શાળાના નિર્માણ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતુ. પ્રારંભમાં શાળાના આચાર્ય જીગરભાઈ મેકવાને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતુ. આ પ્રસંગે મહાનુભાઓશ્રી દ્વારા શાળામાં દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનીલભાઈ સોલંકી, બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર. આર. સોલંકી, શિક્ષકગણ, એસ.એમ.સી. ના સભ્યઓ, દાતા સહિત શાળાના બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.