હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વેરાવળ બંદરની હદમાં આવતા તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહન (મીડિયમ તથા હેવી ગુડ્ઝ વ્હીકલ) વ્યવહાર પસાર કરવા પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
વેરાવળ શહેર વિસ્તારમાં સોમનાથ-વેરાવળ રેલવે લાઈન અને વેરાવળ-જૂનાગઢ રેલવે લાઈન ખાતે રેલવે ઓવરબ્રીજની કામગીરી કરવા માટે આ રૂટ પરનો ટ્રાફિક વૈકલ્પિક રૂટ વેરાવળ બંદર રોડ અને હરસિદ્ધિ સોસાયટીમાંથી ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું ૩૧/૧૨/૨૦૨૪ સુધી બહાર પાડવામાં આવેલું છે. પરંતુ, વેરાવળ બંદરની હદમાં આવેલ રોડ પરના તમામ પુલ ખૂબ જ જર્જરીત હાલતમાં હોવાથી ભવિષ્યમાં અકસ્માતની દુર્ઘટના ન બને તે માટે તેમજ બંદર વિસ્તારમાં આવેલ આ તમામ પુલ રિપેર થઈ શકે તેવી પરિસ્થિતિમાં ન હોવાથી મોટી દુર્ઘટના તથા જાનહાની ટાળવા માટે આ તમામ પુલ પરથી પસાર થતો વાહન વ્યવહાર પ્રતિબંધિત કરવા ભલામણ કરવામાં આવી છે. જેથી કલેક્ટરશ્રી દ્વારા વેરાવળ બંદરની હદ વિસ્તારમાં આવેલ તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહનો (મીડીયમ તથા હેવી ગુડઝ વ્હીકલ) પસાર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૧૧/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.