હિન્દ ન્યુઝ, ડભોઈ
તાજેતરના દિવસોમાં ડભોઇ નગરપાલિકાનું વહીવટી તંત્ર ડભોઇ નગરમાં બિનઅધિકૃત રીતે અને ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ઉપયોગ કરતા તત્વો સામે માયકાંગલુ સાબિત થઇ રહ્યું છે. નગરમાં અસંખ્ય જગ્યાએ રહેણાંકના બાંધકામની મંજુરી મેળવી તે જગ્યાઓનો કોમર્શિયલ ઉપયોગ કરતાં ઈસમો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં ડભોઇ નગર પાલિકાનું તંત્ર “નહોર વગરના વાઘ સમાન” સાબિત થઇ રહ્યું છે. જેના કારણે નગરમાં આવા બિનઅધિકૃત બાંધકામ કરી ઉપયોગ કરતા ઇસમોની જીગર ખુલી જવા પામી છે અને પાલિકાના તંત્રને ગણકારતા પણ નથી. કારણકે ડભોઇ નગર પાલિકાનું તંત્ર આવા તત્વો સામે માત્ર કાગળ ઉપરની નોટિસો ઈસ્યુ કરે છે, પરંતુ કોઈપણ પ્રકારના શિક્ષાત્મક પગલા ભરાતા નથી અથવા તો આવા પગલાં ભરવામાં નગર પાલિકાનું તંત્ર વ્હાલા-દવલાની નીતિ અપનાવી રહ્યું હોવાથી ડભોઇ નગરના નાગરીકોમાં આવા તંત્ર સામે ભયંકર રોષ ભભૂકી ઉઠયો છે. ડભોઇ નગરમાં આવેલી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓમાં રહેણાંકના બાંધકામની મંજુરી મેળવી આવી જગ્યાઓનો અસંખ્ય ઠેકાણે કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
થોડા સમય પહેલા જ શીતળાઇ તળાવ પાસે રહેણાંકના બાંધકામની મંજુરી મેળવી બિલ્ડર દ્વારા શોપિંગ સેન્ટર બાંધી દેવામાં આવ્યું હતું. જેનો ડભોઇ નગરમાં મોટો ઉહાપો થયો હતો. જાણવા મળતી વિગત મુજબ આયુષ સોસાયટીમાં બી- ૫૭ નંબરના મકાન માલિક ભાવેશકુમાર મણિલાલ બ્રહ્મભટ્ટે નગરપાલિકામાંથી તા ૦૩/૧૦/૨૦૨૦ જા.નં ૮૯૭/ ૨૦૨૦/૨૧ થી રહેણાંક બાંધકામ કરવા માટેની રજાચિઠ્ઠી મેળવી હતી પરંતુ સદર મકાનમાં કોમર્શિયલ ધોરણો મુજબનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને સોસાયટીના રહીશોને માહિતી મળી હતી કે સદર મકાનમાં એક કો-ઓપરેટિવ બેન્ક આવી રહી છે જેથી સોસાયટીના પ્રમુખે નગરપાલિકામાં આ અંગે લેખિત વિરોધ નોંધાવ્યો હતો. જેના પરિણામે નગરપાલિકા તંત્રએ સદર મકાન ઉપર જાહેર નોટીસ ચોટાડી હતી અને મકાનમાલિકને કાયદેસરની નોટિસ બજાવી પગલાં ભર્યા હતા. પરંતુ આ સ્થળથી થોડાક જ અંતરે આવેલ કૌમુદી સોસાયટીમાં નંબર 14 ના મકાન માલિક પટેલ ધીરુભાઈ રવજીભાઇએ ટાઉન પ્લાનીંગ સમિતીના ઠરાવ નં ૫૬ (૧૬/૦૨/૨૦૧૩)થી ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ ની રહેણાંક ના હેતુ માટે બાંધકામ કરવાનીમંજુરી મેળવી હતી પરંતુ આ મકાનમાં હાલમાં બરોડા ગ્રામીણ બેંક કાર્યરત છે અને થોડાક જ સમયમાં એચડીએફસી બેન્ક શરૂ થનાર છે અને તે માટે નું કામકાજ પણ હાથ ધરવામાં આવ્યું છે આમ રહેણાંક ની મંજૂરી મેળવી સદર મકાનનો કોમર્શિયલ ધોરણે ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ ડભોઇ નગર પાલિકાનું તંત્ર વ્હાલા દવલાની નીતિ અપનાવતું હોવાથી એક મકાન માલિક સામે કાયદેસરના પગલાં હાથ ધરાયા છે જ્યારે અન્ય સામે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી આમ ડભોઇ નગરપાલિકા તંત્રની “એકને ગોળ અને બીજાને ખોળ” એ કહેવત મુજબની નીતિ હોવાથી સામાન્ય નગરજનોમાં આવા તંત્ર સામે ભયંકર રોષ જોવા મળી રહ્યો છે. આમ પણ ડભોઇ નગરપાલિકામાં થયેલા બાંધકામોની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવે તો આવી અસંખ્ય ગેરરીતિઓનું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. આમ પણ ડભોઇ નગરપાલીકાના કેટલાક ચૂંટાયેલા સભ્યો અને જવાબદાર અધિકારીઓ આવા ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વો સામે “આંખ મિચાંમણા” કર્યા કરે છે જેના પરિણામે ડભોઇ નગરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટયો છે અને આ બાબતમાં તોડ-પાણી કરી આપી વચેટિયાની ભૂમિકા ભજવી માલ -મલીદો મેળવવા માટેની ટોળકી પણ ડભોઇ નગરમાં સક્રિય થઈ જવા પામી છે. પ્રજાજનોની માંગ છે કે આવા ગેરકાયદેસર બાંધકામ કરનારા ઈસમો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને પોતાની જવાબદારીઓમાંથી હંમેશને માટે હાથ ખંખેરી લેતા જવાબદાર અધિકારીઓ સામે તત્કાળ પગલાં ભરાય તેમજ તોડ-પાણી કરતી ટોળકીને પણ ઝડપી પાડી તેનો પર્દાફાશ કરવામાં આવે.
રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ