હિન્દ ન્યૂઝ, રાજકોટ
તારીખ: ૦૮-૦૧-૨૦૨૧, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વિવિધ પ્રકારના આવાસો હાલ નિર્માણાધિન છે જે પૈકીના રૈયા ટીપી ૧, ફાઈનલ પ્લોટ નં ૫૭૨, ૧૫૦ ફૂટ રીંગ રોડ, નાગરિક બેંકની બાજુમાં, રાજકોટ અંગે ફોર્મ વિતરણ તારીખ ૦૭.૧૨.૨૦ થી ૧૯.૧૨.૨૦ દરમિયાન કરવામાં આવેલ હતું. જે સાઈટમાં ફક્ત ૬ આવાસો ખાલી હતા જેની સામે અધધ ૬૩૨ (૬૧૩ ઓફલાઈન તથા ૧૯ ઓનલાઈન) ફોર્મ ભરાઈ ને પરત આવેલ હતા.
જુલાઈ ૨૦ દરમિયાન રૂડાના જ બહાર પડેલ આવાસમાં ઓછી સંખ્યામાં ફોર્મ ભરાયેલ હતા તેના મુખ્ય કારણ અંગે રૂડા કચેરીના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રાએ જણાવેલ કે કોરોનાના કપરા સમય દરમિયાન ધંધા રોજગારને જે બ્રેક લાગી હતી તેવું જોવા મળેલ હતું. પરંતુ હવે ધંધામાં આવેલ નોંધનીય તેજી અને તહેવારોએ લોકોમાં નવો ઉત્સાહ પુરેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા લોકોનું નાની કિંમતમાં ઘરના ઘરનું સ્વપ સાકાર થતું હોઈ તેમજ સરકારી યોજનાઓમાં ઉચ્ચ ગુણવતા સાથેનું સુવિધા સભર બાંધકામ મળતું હોઈ ઘરનું ઘર મેળવવા ઈચ્છુક તમામ આસામીઓને અપીલ કરેલ કે વધુ માં વધુ લોકો યોજનાનો લાભ લે અને “ઘરનું ઘર-પોતાનું ઘર” ના સ્વપ્ને સાકાર કરે.
હાલ રૂડા દ્વારા નિર્માણાધીન રાજકોટના વિકાસશીલ અને પોશ ગણાતા કાલાવડ રોડ વિસ્તારમાં રૂ.૩લાખ થી માંડી રૂ. ૨૪.૦૦ લાખ સુધીના વિવિધ કેટેગરીના ૬૮૮ આવાસો ખાલી રહેલ છે તે અંગે ફોર્મ વિતરણ ચાલુ છે. જેમાં ફોર્મ વિતરણ શરૂઆતના ફક્ત ૭ દિવસમાં ૭૮૦૦ થી વધુ ફોર્મનું વેચાણ થઇ ગયેલ છે તથા તે પૈકી અંદાજીત ૨૦૦ ફોર્મ ભરીને પરત આવેલ છે. આમ શરૂઆતના ૭ દિવસના ગાળામાં જ ખાલી આવાસની સાપેક્ષમાં ૩૩% થી વધુ ફોર્મ પરત આવી ગયેલ હોઈ રૂડા કચેરીના મુખ્ય કારોબારી અધિકારીએ લોકોને અપીલ કરેલ કે આખરી દિવસોની રાહ ન જોતા તાત્કાલિક ફોર્મ ભરી પરત કરવામાં આપવામાં આવે જેથી આખરી દિવસોમાં થતા ઘસારાને ટાળી શકાય. ફોર્મ ભરવાની આખરી તારીખ ૧૬.૦૧.૨૦૨૧ છે જેની તમામ આસામીઓએ નોંધ લેવી.
વધુમાં કોરોનાના સમયમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તથા લોકોએ બેંક સુધી જવું ના પડે તે માટે લોકોની સરળતા માટે શરુ કરાયેલ ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થા ચાલુ છે જે અનુસાર ઓનલાઇન ફોર્મ ભરવા માટે રૂડા કચેરીની વેબસાઇટ www.rajkotuda.com, www.rajkotuda.co.inપરથી તા. ૧૬/૦૧/૨૦૨૧ (૨૩.૫૯ કલાક) સુધી ફોર્મ ભરી શકાશે. લાભાર્થીને કોઈ પણ પ્રકારની મુંજવણ હોય તે અંગે રૂડા કચેરીના ફોન નં ૦૨૮૧૨૪૪૦૮૧૦ / ૯૯૦૯૯૯૨૬૧૨ પર સંપર્ક કરવા રૂડા કચેરીની યાદીમાં જણાવેલ છે.