શહેરમાં વધુ ૯ સ્થળોએ કોરોના વેક્સીન અંગેની મોકડ્રીલ (ડ્રાય રન) કરતી રાજકોટ મહાનગરપાલિકા

આરોગ્ય શાખાની ૧૮ ટીમના ૯૦ કર્મચારીઓ દ્વારા ૨૨૫ લોકો પર ટ્રાયલ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, રાજકોટ

તારીખ: ૦૮-૦૧-૨૦૨૧

        સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે. કોરોના વેક્સીનને લઈને ટ્રાયલ ચાલી રહ્યા છે. ખુબ જ ટૂંકા સમયમાં કોરોના વેક્સીન સમગ્ર વિશ્વમાં આવાની તૈયારીઓ થઇ રહી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સીન અંગેની મોકડ્રીલ (ડ્રાય રન) આજે શહેરમાં વધુ ૯ સ્થળોએ શરૂ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય શાખાની ૧૮ ટીમના ૯૦ કર્મચારીઓ દ્વારા ૨૨૫ લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીન અંગેની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.  

        રાજકોટ શહેરના વધુ ૯ સ્થળોને પ્રાઇમરી વેક્સીન આપવા અંગે પસંદગી કરવામાં આવી છે, જેમાં (૧) વોકહાર્ડ હોસ્પિટલ, (૨) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, (૩) પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, (૪) નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, (૫) શાળા નં. ૬૧, (૬) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, (૭) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, (૮) શાળા નં. ૪૩ અને (૯) કોઠારી નિદાન કેન્દ્ર – રોટરી ભવન ખાતે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની મેડીકલ ટીમ દ્વારા મોકડ્રીલ (ડ્રાય રન) યોજવામાં આવી હતી.

        મોકડ્રીલ (ડ્રાય રન) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ૧૮ ટીમ બનાવવામાં આવી છે જેમાં દરેક ટીમમાં ૫ કર્મચારીઓ સહીત કુલ ૯૦ કર્મચારીઓ દ્વારા જુદી જુદી જગ્યાએ એક સમાનરીતે કામગીરી કરવામાં આવી હતી. જેમાં મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, UHC એમ.ઓ., કોવીડ એમ.ઓ., સ્ટાફ નર્સ, ડી.ઈ.ઓ. અને એમ.પી.એચ. ડબલ્યુ. હાજર રહ્યા હતા.

        મનપા દ્વારા એકત્ર કરાયેલ ડેટા પ્રમાણે આરોગ્ય કર્મીઓને બોલાવવામાં આવ્યા હતા. પસંદગી કરાયેલ ૯ સ્થળોએ ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવી હતી. પ્રથમ વેઇટિંગ રૂમ, દ્વિતીય વેક્સીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ, જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યક્તિના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી અને વેક્સીન લેવા આવનાર વ્યક્તિએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે. દ્વિતીય રૂમમાં વેક્સીન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલ co-win સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સીન લેનારને ૩૦ મીનીટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને ત્યાં પણ વ્યક્તિએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે. 

        આ મોકડ્રીલ (ડ્રાય રન) કરવાનો હેતુ વેક્સીન સમયે ઉદ્દભવતા પ્રશ્નોનો પહેલાથી જ નિરાકરણ કરી શકાય. ડોક્યુમેન્ટ સંબંધી અથવા સોફ્ટવેર સંબંધી પ્રશ્નોનો નિરાકરણ કરી શકાય તેમજ આવનારા દિવસોમાં કોરોનાની વેક્સીન આપવાની થાય ત્યારે વધારે સારી રીતે અમલીકરણ કરી શકાય.

Related posts

Leave a Comment