કાયદો બધા માટે એક સમાન મોટા માથા માટે આશીર્વાદ સમાન..? ચર્ચાતો વિષય..!

“સાહેબ તમે પણ કાયદો ભૂલી ગયા…?”

હિન્દ ન્યુઝ, ડીસા

ડીસા માર્કેટ યાર્ડના ચેરમેને માસ્ક પહેર્યા વગર ચેકનું વિતરણ કરતાં વિવાદ સર્જાયો છે.

                                      વૈશ્વિક કોરોના મહામારીના પગલે હાલમાં સરકાર દ્વારા કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં તમામ લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવો અને જો સામાન્ય નાગરિક માસ્ક વગર દેખાય તો પોલીસ દ્વારા તેમની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે. તેમજ રિક્ષા અથવા પેસેન્જર વાહનોમાં પાંચ જેટલા લોકો બેઠા હોય તો પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એક એક લાખ રૂપિયાના ચેકોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન તસ્વીરમાં દેખાતા તમામ લોકોએ માસ્ક પહેરેલ નહોતા, ત્યારે સામાન્ય લોકો સામે કાર્યવાહી કરતી પોલીસ માર્કેટયાર્ડના ચેરમેન સામે કાર્યવાહી કરશે ખરી તેવા સવાલો ઉઠ્યા છે.

                                                       ડીસા બજાર સમિતિ દ્વારા ડીસા શહેર અને તાલુકાના લોકોનો એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો લેવાયેલ હોઈ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એક લાખ રૂપિયાના ચેકોનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડીસા માર્કેટના જવાબદાર ચેરમેન માવજીભાઈ દેસાઈએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવી બેજવાબદારીની પ્રતીતિ કરાવી હતી. આ કાર્યક્રમમાં માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ, બનાસ બેન્કના વાઇસ ચેરમેન જીગર દેસાઈ, માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોશી સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. જોકે તસવીરમાં દેખાતા એકાદને બાદ કરતાં કોઈએ માસ્ક પહેર્યુ ન હતું, ત્યારે સામાન્ય લોકો પાસેથી દંડની વસુલાત કરવાની સાથે જાહેરનામા ભંગની કાર્યવાહી કરતી પોલીસ ભાજપના નેતા અને માર્કેટયાર્ડના ચેરમેન અને બનાસ બેન્કના વાઇસ ચેરમેન સહિત તસ્વીરોમાં દેખાતા અન્ય લોકો સામે કાર્યવાહી કરશે ખરી તેવા સવાલો ઉઠી રહ્યા છે.

એહવાલ : કંચનસિહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment