રાજપારડી ગામે મોબાઇલની દુક‍ાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

ભરૂચ,

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે થોડા દિવસ પહેલા એક મોબાઇલ રિપેર કરનારની દુકાનમાંથી રિપેરિંગ માટે આવેલ મોબાઇલોની ચોરી થવા પામી હતી. મોબાઇલ ગુરુ નામની મોબાઇલ રિપેરિંગની દુકાનમાં રિપેરિંગ માટેના ૧૫ જેટલા મોબાઇલો ચોરાતા દુકાન માલિકે આ અંગે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. બાદમાં રાજપારડી પી.એસ.આઇ જયદિપસિંહ જાદવે પોલીસ જવાનોની અલગ અલગ ટીમો બનાવીને રાજપારડી પંથકમાં થતી ગુનાખોરીની તપાસ હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલ બાતમી મુજબ અયાઝખાં ફિરોઝખાં સોલંકી રહે.ગામ વણાકપોર તા.ઝઘડીયાને પકડીને પુછપરછ કરતા આ ઇસમ ભાંગી પડ્યો હતો,

અને તેણે પોતાના સાગરીત અન્ય કિશોર સાથે રાજપારડી મુખ્ય બજારમાં આવેલ મોબાઇલ ગુરુ નામની દુકાનમાંથી જુદી જુદી કંપનીના કુલ ૧૫ મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ ઇસમની અટકાયત કરી હતી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને હસ્તગત કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત આરોપી પાસેથી પોલીસે અલગઅલગ કંપનીના કુલ ૧૫ મોબાઇલ જેની કિંમત રૂ.૨૭,૫૦૦ થાય છે, તે મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રિપોર્ટ : રિયાઝ મેમણ

Related posts

Leave a Comment