હિન્દ ન્યુઝ, નવસારી
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સધન સુધારણા કાર્યક્રમ (SIR-2026) હેઠળ પ્રથમ તબક્કાના અંતે આજરોજ નવસારી જિલ્લાની ડ્રાફટ મતદારયાદી નવસારી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તથા પત્રકાર મિત્રો સમક્ષ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ચુંટણી અધિકારીના હસ્તે રાજકીય પક્ષોને ડ્રાફટ યાદી એનાયતકરવામાં આવી હતી.
પત્રકાર પરિષદમાં વિગતો આપતા જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં કુલ ૧૦,૯૫,૯૦૦ મતદારો પૈકી ૯,૫૯,૩૩૭ મતદારોનું ડિઝીટાઈઝેશન પુર્ણ કરીને ડ્રાફટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ૧,૩૬,૫૬૩ મતદારોના નામો કમી કરવામાં આવ્યા છે. આ મતદારોમાં ૧૭,૧૩૫ મતદારો અપસેન્ટ, ૬૭,૭૭૯ મતદારો સ્થળાંતર, ૪૪,૨૦૨ મતદારો મૃત્યૃ પામેલ છે. જયારે ૪૭૯૬ મતદારો ડુપ્લીકેટ તથા ૨૬૫૧ અન્ય કારણોસર નામો કમી કરવામાં આવ્યા છે.
જિલ્લા ચુંટણી અધિકારીએ કહ્યું કે, લોકશાહીમાં આપનો મત મૂલ્યવાન છે. જે માટે મતદાર ઓળખપત્ર જરૂરી છે. જેથી કોઈ મતદારોના નામ રહી ગયા હોય તો પુરાવા આપીને સમાવેશ કરવાનો અનુરોધ કર્યો હતો.
આ ડ્રાફટ યાદીમાં ૯.૫૯ મતદારો પૈકી ૧,૦૧,૪૬૭ મતદારોની વિગતો ૨૦૦૨ની યાદીમાં નથી જેથી આ મતદારો ‘‘નો મેપિંગ’’ની યાદીમાં રહેશે. પરંતુ જો મતદારનું નામ યાદીમાં ન હોય તો તેઓ મતદાર નોંધણી અધિકારી સમક્ષ ફોર્મ નં.-૬, બાંહેધરી ફોર્મ અને જરૂરી પૂરાવા રજુ કરી મતદારયાદીમાં નામ દાખલ કરાવી શકશે. કલેકટરે કહ્યું કે, બીજા તબક્કામાં "નો મેપીંગ" વાળા મતદારોને ERO/AERO કક્ષાએથી નોટીસ આપી પુરાવા રજૂ કરવા જણાવવામાં આવશે.
નવસારી જિલ્લાની ચાર વિધાનસભા મતવિસ્તારોમાં ચુંટણી અધિકારીઓ, મદદનીશ ચુંટણી અધિકારીઓ સુનાવણીના સ્થળે હાજર રહેશે. રોજ ૫૦ મતદારોની સુનાવણી હાથ ધરાશે. જેમાં જલાલપોર વિધાનસભા માટે તાલુકા પંચાયત કચેરી, તથા નવસારી વિધાનસભામાં તાલુકા પંચાયત કચેરી, લુન્સીકુઈ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, તાલુકા સેવા સદનના મીટીંગ હોલ, મામલતદાર કચેરી ગણદેવી તેમજ નવસારી શહેર તથા ગ્રામ્ય મામતલદાર કચેરીઓ ખાતે, ગણદેવી વિધાનસભામાં ચીખલી તથા ગણદેવી મામલતદાર કચેરીએ અને બીલીમોરા નગરપાલિકા ખાતે, વાંસદા વિધાનસભામાં ખેરગામ અને વાંસદા મામલતદાર કચેરીઓ ખાતે હાજર રહી નોટીસની પ્રક્રિયા હાથ ધરશે.
સુનાવણી સમયે મતદારોએ નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
૧. કોઈપણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયુના નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પેન્શન ચુકવણી હુકમ.
૨. તા.૧/૭/૧૯૮૭ પહેલા સરકાર/સ્થાનિક અધિકારીઓ/બેંક/પોસ્ટ ઓફિસ/એલઆઈસી/પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ.
૩. સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ જન્મ પ્રમાણપત્ર.
૪. પાસપોર્ટ
૫. માન્ય બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જારી કરાયે લ મેટ્રિક્યુલેશન/શૈક્ષણિક પ્રમાણપત્ર
૬. સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
૭. વન અધિકાર પ્રમાણપત્ર
૮. ઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર
૯. રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (National Register of Citizens) (જ્યાં પણ તે અસ્તિત્વમાં હોય)
૧૦. રાજ્ય/સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર
૧૧. સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર
૧૨. આધાર માટે ભારતનાં ચૂંટણી પંચના તા.૦૬/૦૮/૨૦૨૪નાં પત્ર નં.23/2025-ERS-/Vol.1 (Annexure
II) થી આપવામાં આવેલા નિર્દેશો લાગુ પડશે.
