હિન્દ ન્યુઝ, ડાંગ
ગુજરાત સરકારના સ્વદેશી અભિયાન અને મહિલા સશક્તિકરણના વિઝન સાથે સમગ્ર રાજ્યમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની (GLPC), ગાંધીનગર દ્વારા સશક્ત નારી મેળો કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ડાંગ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિવિધ સરકારી વિભાગોના સહયોગથી સાપુતારા નોટિફાઈડ એરિયા ઓફિસની બાજુના મેદાન ખાતે તા.૨૧ થી ૨૩ ડીસેમ્બર દરમિયાન“સશક્ત નારી મેળો”નું આયોજન કરવામાં આવશે. જેનું ઉદ્દધાટન ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામિત અને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના હસ્તે કરવામાં આવશે.
રાજ્ય સરકારની આ પહેલ મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરશે તેમજ તેમના પ્રયાસોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે. “સશક્ત નારી મેળા’ થકી મહિલા ઉદ્યોગ સાહસિકો,લખપતિ દીદીઓ ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો (SHGs), મહિલા ખેડૂતોને સહકારી સંસ્થાઓ,સ્ટાર્ટઅપ્સ અને વ્યવસાયિકો દ્વારા પાયાના સ્તરે લાવવામાં આવી રહેલા પરિવર્તનકારી બદલાવોને પ્રોત્સાહન આપવામાં આવશે. મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મુલ્યો પર કેન્દ્રિત આ જિલ્લા સ્તરીય મેળો મહિલા આર્થીક ભાગીદારીને પણ વેગ આપશે અને રાજ્યની લાખો મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બનશે.
આ “સશક્ત નારી મેળો“ મહિલાઓ દ્વારા ઉત્પાદિત હસ્તકલા, ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ અને અન્ય કૌશલ્યલક્ષી પ્રવૃત્તિઓનું પ્રદર્શન અને વેચાણ માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે. જિલ્લા વહીવટી તંત્રએ પ્રજાજનોને આ મેળામાં ઉપસ્થિત રહેવા અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા તેમજ મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
