હિન્દ ન્યુઝ, જામનગર
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રીઓની ગરિમામય ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લિમિટેડની ૬૩મી વાર્ષિક સામાન્ય સભાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને આ સભા મળી હતી, જેમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જામનગર જિલ્લાની સહકારી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓ ખેડૂતોની કરોડરજ્જુ સમાન છે.સહકારી તંત્રમાં આવક વધારવા આત્મનિર્ભર મંડળી બનાવવી ખૂબ જ જરૂરી છે.મંડળીઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ 17 જેટલી પ્રવૃતિઓમાં મદદરૂપ બને છે જેનો દરેક મંડળીએ લાભ લેવો જોઈએ.ખરીદ-વેંચાણ સંઘ દ્વારા ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવો મળે છે અને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ જેવી આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય છે. તેમણે સંઘને આધુનિક ટેક્નોલોજી અપનાવવા અને ખેડૂતોને સીધો લાભ થાય તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.સાથે જ મંડળીઓને વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી સ્થાનિક રોજગારી વધારવા આહવાન કર્યું હતું.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સહકારની ભાવના પર ભાર મૂકતા કહ્યું કે, “જિલ્લા ખરીદ-વેંચાણ સંઘે છેલ્લા ૬૩ વર્ષમાં ખેડૂતોના હિતમાં જે કાર્ય કર્યું છે, તે પ્રશંસનીય છે. રાજ્ય સરકાર પણ ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે. તેમણે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અને સ્વદેશીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને સંઘના સભ્યોને આ દિશામાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા આહ્વાન કર્યું હતું.રાજ્ય સરકાર પણ વિકસિત ભારતના નિર્માણની દિશામાં સહકારી ક્ષેત્રનો વ્યાપ વધારવા અને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તેવા પ્રયાસો કરી રહી છે.
વાર્ષિક સભા દરમિયાન સંઘના વહીવટી અહેવાલ અને હિસાબોને મંજૂરી આપવામાં આવી હતી. સંઘના પ્રમુખએ પાછલા વર્ષની સિદ્ધિઓ અને આગામી વર્ષની યોજનાઓ રજૂ કરી હતી.
આ પ્રસંગે ખીમભાઈ ગોજીયા, ચંદ્રેશભાઈ પટેલ, સંઘના ડાયરેક્ટરઓ, જામનગર જિલ્લા સહકારી બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ એ. પી. એમ. સી. જામનગરના ચેરમેન મુકુંદભાઈ સભાયા,જિલ્લા રજિસ્ટ્રાર, સંઘના સભ્યો, વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખો – મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
