હિન્દ ન્યુઝ, ડાંગ
પશુ વિજ્ઞાન કેન્દ્ર (પી.વી.કે.), વઘઈ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ દ્વારા તથા આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ (આહવા-ડાંગ) ના સયુંકત ઉપક્રમે “પશુરહેઠાણની ઉત્પાદકતા પર અસર” વિષયક પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ જમન્યામાળ ગામ, સુબીર, ડાંગ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ તાલીમમાં કુલ ૪૫ પશુપાલકોએ ભાગ લીધો અને વૈજ્ઞાનિક પશુપાલન અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી.
આ તાલીમ કાર્યક્રમમાં ડૉ. મહેશ માઢવાતર (મદદનીશ પ્રાધ્યાપક) એ પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદેશો અને કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. ડૉ. જીગર વી. પટેલ, (મદદનીશ પ્રાધ્યાપક) એ આદર્શ પશુ રહેઠાણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડૉ. ઉત્સવ સુરતી, (મદદનીશ પ્રાધ્યાપક) એ પશુરહેઠાણની ઉત્પાદકતા પર અસર વિસ્તૃત રીતે સમજાવી હતી.
તાલીમના અંતે, ડૉ. ઉત્સવ સુરતી અને ડૉ. એસ. બી. કાપડી દ્વારા ઉપસ્થિત પશુપાલકો પાસેથી પ્રશ્નો અને મૂંઝવણો સાંભળી તેઓના પ્રશ્નોના નિરાકરણ આપવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન પશુપાલકોને પ્રોત્સાહનના ભાગરૂપે પશુપાલન વિષય આધારિત સાહિત્યની કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ ડૉ. રાણા રણજીત સિંહ (ઇન્ચાર્જ, પી.વી.કે.) ના નેતૃત્વમાં અને ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) તથા ડૉ. એમ. એમ. ત્રિવેદી (વિસ્તરણ શિક્ષણ નિયામક, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
ઉલ્લેખનીય છે કે, પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પશુપાલકોને પશુપાલન તરફ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભરતાની દિશામાં પ્રેરણા આપે છે.
