ગુજરાત ભૂમિ, ભાવનગર
ગુજરાત સ્થાપના દિવસના અવસરે પ્રભાસપાટણના રામમંદિર ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (ડી.એમ.એફ.) તથા જિલ્લા આયોજન કચેરી ગીર સોમનાથની ગ્રાન્ટ અંતર્ગત જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને જાહેર બાંધકામ ક્ષેત્રે પૂર્ણ થયેલા રૂ.૧૧ કરોડ ૨૩ લાખના વિવિધ વિકાસ કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. તેમજ, ડી.એમ.એફ. અંતર્ગત કૌશલ્યવર્ધન તાલીમ અને ટૂરિસ્ટ ગાઈડ તાલીમની શરૂઆત કરવામાં આવી હતી.
સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્થાપના દિવસથી શરૂ થયેલી રાજ્યની અવિરત પ્રગતિને વિકાસના પંથે કંડારી નાગરિકોને સુવિધા પહોંચાડવી એ જ રાજ્ય સરકારનું લક્ષ્ય રહ્યું છે. વિકાસ સાથે જ રોજગારીનું સર્જન થાય એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રમાં રોજગારીની અઢળક તકો રહેલી છે. ત્યારે, ડી.એમ.એફ. અંતર્ગત કૌશલ્યવર્ધન તાલીમ અને ટૂરિસ્ટ ગાઈડ તાલીમ થકી મહિલાઓ આત્મનિર્ભર બનશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સોમનાથ એ મહત્વનું ધાર્મિક સ્થળ છે. આ સ્થળને તીર્થધામ તરીકે વિકસાવવા તેમજ પર્યટકો સારી છાપ લઈને પરત ફરે તે અગત્યનું છે. આ માટે નાગરિકો સાથે મળી અને વહીવટી તંત્રએ સહિયારા પ્રયાસ કરવા પડશે. જિલ્લામાં સુનિયોજીત આયોજન થકી ૧૦૦ દિવસમાં ૯૬૫ કામો પૂર્ણ કરવા બદલ અમલીકરણ અધિકારીઓને તેમણે અભિનંદન પાઠવ્યાં હતાં.
દહેજ પ્રતિબંધક અધિકારી સોનલ રાઠોડે તાલીમ કાર્યક્રમની રુપરેખાં આપતાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે અસીમિત સંભાવનાઓ ધરાવતો જિલ્લો છે. અહીં ગાઈડની તાલીમ મેળવીને મહિલાઓ પરિવારને આર્થિક રીતે મદદ કરી શકશે. આ ઉપરાંત, સામાજિક જીવનમાં પણ અગ્રેસર થઈ શકે છે. પહેલા મહિલાઓ માટે મર્યાદિત ક્ષેત્રમાં તકો હતી પરંતુ હવે આધુનિક જમાનામાં તમામ ક્ષેત્રે ખભેખભો મિલાવી અને મહિલાઓ અગ્રેસર બની છે. આમ કહી તેમણે તાલીમ લઈ અને પગભર બનવા ઉપસ્થિત મહિલાઓને અપીલ કરી હતી.
પ્રારંભે પ્રાંત અધિકારી વિનોદ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ અવસરે, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા, સેરેબ્રલ પાલ્સી જેવા રોગગ્રસ્ત બાળકોના ગાર્ડિયનને ‘ગાર્ડિયન સર્ટિફિકેટ’ તેમજ સ્ટ્રે ડોગ્સની દેખભાળ કરનાર સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાં હતાં અને સાંસદ સહિતના મહાનુભાવોએ નગરપાલિકાઓમાં સ્વચ્છતા અંગેના સાધનોને લીલી ઝંડી દ્વારા લોકાર્પણ કરાયું હતું અને લાભાર્થીઓને કીટ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, સંશોધન અધિકારી શૈલેષભાઈ બાગુલ, ઉના પ્રાંત અધિકારી કે.આર.પરમાર, અગ્રણી સંજયભાઈ પરમાર સહિત વિવિધ નગરપાલિકાના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
