જિલ્લા પંચાયત ખાતે રૂ. ૪૦ કરોડથી વધુના વિકાસકામોના ખાતમૂહુર્ત-લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ગુજરાત સ્થાપના દિવસના અવસરે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઈણાજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ યોજનાઓ અંતર્ગત ગીર સોમનાથના વિવિધ તાલુકાઓમાં ૩૪૯ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું તેમજ ૧૫૬ કામોનો ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો હતો.

સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ઉપસ્થિત સર્વેને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ સહિત નાગરિકો પણ સાથે મળી વિકાસના કામોનું સુનિયોજીત ઢબે આયોજન કરી અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને વિકાસના પંથે અગ્રેસર બનાવવામાં પોતાનો ફાળો અવશ્ય આપે. આમ કહી સાંસદશ્રીએ રૂ. ૪૦ કરોડથી વધુના ખાતમૂહુર્ત-લોકાર્પણ કાર્યક્રમમાં સમવિષ્ટ તમામ કર્મચારીઓ અને પદાધિકારીઓને સુનિયોજીત કામગીરી બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.

જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછારે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના વિકાસમાં જિલ્લા પંચાયતનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ૧૫મું નાણાપંચ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય), સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય), મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, મનરેગા જેવી સરકારની વિવિધ યોજનાઓ થકી ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.

જિલ્લા પંચાયત પ્રમુખએ ખાતમૂહુર્ત અને લોકાર્પણની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, તાલાલા તાલુકામાં રૂ. ૩.૨૫ કરોડના ૬૯ કામોનું લોકાર્પણ તેમજ રૂ. ૫૭ લાખના ૨૮ કામોનું ખાતમૂહુર્ત, વેરાવળ તાલુકામાં રૂ.૪.૩૦ કરોડના ૮૦ લોકાર્પણ તેમજ રૂ.૫.૮૧ કરોડના ૩૦ ખાતમૂહુર્ત, સૂત્રાપાડા તાલુકામાં રૂ.૨.૭૮ કરોડના ૩૪ લોકાર્પણ તેમજ રૂ.૯૭ લાખના ૩૭ ખાતમૂહુર્ત, કોડિનાર તાલુકામાં રૂ.૨.૧૧ કરોડના ૩૫ લોકાર્પણ તેમજ રૂ.૬.૮૧ કરોડના ૨૧ ખાતમૂહુર્ત, ગીરગઢડા તાલુકામાં રૂ.૧.૫૮ કરોડના ૫૪ લોકાર્પણ તેમજ રૂ.૫૦ લાખના ૧૯ કામોનું ખાતમૂહુર્ત, ઉના તાલુકામાં રૂ.૧૦.૧૧ કરોડના ૭૭ લોકાર્પણ તેમજ રૂ.૬૭ લાખના ૧૯ કામોના ખાતમૂહુર્તનો સમગ્ર આયોજનમાં સમાવેશ થાય છે. 

કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સર્વેએ પહેલગામ આતંકી હુમલામાં દિવંગતોને મૌન થકી શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ કાર્યક્રમનું સમગ્ર સંચાલન દિપકભાઈ નિમાવતે કર્યું હતું. આ તકે, જિલ્લા પંચાયત દ્વારા વિશિષ્ટ કામગીરી કરનાર ઉના તાલુકા વિકાસ અધિકારી કે.પી.ચાવડાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાં હતાં.

આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ રાજવિરસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ, અગ્રણી સંજયભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પીઠિયા, કારોબારી ચેરમેન સમિતિના ડાહ્યાભાઈ જાલોંધરા સહિત વિવિધ સમિતિના સભ્યો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યઓ, વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment