હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આજે રાજકોટના કુવાડવામાં ગિરનારી આશ્રમ ખાતે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મંત્રી મુળુભાઈ બેરા સવારે કુવાડવા પધાર્યા બાદ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી પ્રવિણાબહેન રંગાણી તેમજ આશ્રમના મહંત યતિ બ્રહ્મદેવજી મહારાજની ઉપસ્થિતિમાં વન કવચને ખુલ્લું મૂક્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ વન કવચની તકતીનું અનાવરણ કર્યું હતું. બાદમાં મંત્રીએ વનકવચ વિસ્તારમાં ફરીને વિવિધ વૃક્ષોનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા, “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત, રાજકોટ-અમદાવાદ હાઈવે પર ગુરુદત્ત ગિરનારી આશ્રમ ખાતે આશરે એક હેક્ટર જમીનમાં, મિયાવાકી પદ્ધતિથી ૧૦ હજાર જેટલા ઝાડ ઉછેરવામાં આવ્યા છે.
રાજકોટના નાયબ વન સંરક્ષક તુષાર પટેલની રાહબરીમાં છેલ્લા સાત-આઠ માસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. આજે લોકાર્પિત થયેલા વન કવચમાં પીપળો, લીમડો, ગરમાળો, હરમો, પારસ પીપળો, નાગોડ, શેતુર, પારિજાત સહિતના વિવિધ ૫૬ પ્રકારના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. વન કવચના લોકાર્પણ બાદ મંત્રએ નજીકમાં નિર્માણ પામેલા વડ વનની પણ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.
