જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ

     જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન ૨.૦ની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન રૂ.૬૭૪.૬૯ લાખના ખર્ચે ૩૯૮ કામો દ્વારા જળસંગ્રહની કામગીરી હાથ ધરાશે.

     રાજકોટ શહેર તેમજ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરી સુચારુ રીતે થાય તે માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ વિવિધ કામો હાથ ધરાશે. જેમાં મુખ્યત્વે જળસંગ્રહનાં હાથ ધરવાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જેવા કે તળાવો ઉંડા કરવા, ચેકડેમોનુ ડીસીલ્ટીંગ તથા રીપેરીંગ, જળાશયોનું ડીસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત તથા જાળવણી, નદી, વોંકળા, ગટરની સાફસફાઇ, નદી પુન: જીવિત કરવી, નવા તળાવો, નવા ચેકડેમો બનાવવા,વન તલાવડી,ખેત તલાવડી સહિતના કામો હાથ ધરાશે. જેમા જળસંપત્તિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા કામગીરી કરવામાં આવશે.

      રાજકોટ જિલ્લામાં વિવિધ કચેરીઓ દ્વારા થનાર કામ પૈકી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૨૪૮ કામો, કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પંચાયત દ્વારા ૫૫ કામો, પાણી પુરવઠા વિભાગ દ્વારા ૧૨ કામ, કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગના ૮ કામો, જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમના ૬ કામો તથા મહાનગરપાલિકા વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા ૨૦ કામ હાથ ધરાશે.

    જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ તળાવો, જળાશયોનું ડીસીલ્ટીંગ, પાળાના મજબુતીકરણની કામગીરી, વ્યક્તિગત બંધપાળા અને વ્યક્તિગત ખેતતલાવડીના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી થવાથી તળાવો/જળાશયોની સંગ્રહશક્તિમાં વધારો થશે તથા રોજગારી ઉત્પન્ન થશે. કલેક્ટરએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચન આપ્યું હતું.

Related posts

Leave a Comment