જામનગર,
તા. ૨૧ ડિસેમ્બર,
તા.૦૧-૦૧-૨૦૨૦ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી તૈયાર કરવા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રારંભ ૧૬-૧૨-૨૦૧૯થી કરવામાં આવ્યો છે. મતદાર યાદી સમાવેશી અને ગુણવતાયુક્ત તૈયાર થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે ૧૬-૧૨-૨૦૧૯ના રોજ સંકલિત મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવેલ છે, જેમાં ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ સુધી હક્ક- દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે તેમજ ૨૨ ડિસેમ્બર ૨૦૧૯, ૫ જાન્યુઆરી ૨૦૨૦ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસોએ મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા, તેમાં સુધારા કરાવવા અને નામ કમી કરાવવા અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. ખાસ ઝુંબેશના દિવસોએ તમામ મતદાન મથકોએ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓની કચેરીએ તેમજ મતદાર નોંધણી અધિકારીશ્રીઓની કચેરીએ સવારે ૧૦:૦૦ થી ૫:૦૦ના સમયગાળા દરમિયાન હક્ક-દાવા અને વાંધા અરજીઓના ફોર્મ સ્વીકારવામાં આવશે.
૨૭ જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં આ કાર્યક્રમ અંતર્ગત હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરી ૭ ફેબ્રુઆરીના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. તો આ સંદર્ભે લાયકાત ધરાવતા યુવા નાગરિકોના નામ મતદાર યાદીમાં સામેલ કરવા, ઉપરાંત નોંધણી બાકી હોય તેવા નાગરિકોના નામ સામેલ કરવા પ્રયત્ન કરવામાં આવશે. નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા માટે એન.વી.એસ.પી. (નેશનલ વોટર સર્વિસ) પોર્ટલ તથા વોટર હેલ્પલાઇન એપ દ્વારા પણ ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
જાહેર જનતા મતદારયાદીમાંની વિગતો ચકાસી શકે અને નિયત ફોર્મ મેળવીને, ભરેલું ફોર્મ રજૂ કરી શકે તે માટે મતદારયાદી તથા જરૂરી સંખ્યામાં કોરા ફોર્મ તમામ મતદાન મથકોએ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીએ તેમજ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીએ પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે તો જાહેર જનતાને આ કાર્યક્રમમાં જોડાઇ મતદારયાદીને વધુ સચોટ, સમાવેશી અને ગુણવત્તાલક્ષી બનાવવા સહકાર આપવા માટે જિલ્લા સમાહર્તા તથા જિલ્લા ચૂંટણી અધિકારી રવિશંકર દ્વારા અપીલ કરવામાં આવે છે.