અફવાઓ અને સોશિયલ મિડીયાના દુષ્પ્રચારથી દૂર રહેવા જામનગરની જનતાને સંબોધન કરતા પોલિસ અધિક્ષક શરદ સિંઘલ

જામનગર,
તા. ૨૧ ડિસેમ્બર, નાગરિકત્વ સુધારણા અધિનિયમ અન્વયે હાલમાં રાજ્ય અને દેશભરમાં અનેક સ્થળો પર હિંસાત્મક પ્રદર્શનો જોવા મળ્યા છે. ત્યારે જામનગરની જનતાને જિલ્લામાં શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા જિલ્લા સમાહર્તા રવિશંકર અને પોલીસ અધિક્ષક શરદ સિંઘલ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
જામનગરની જનતાને સંબોધન કરતા જિલ્લા કલેકટર રવિશંકરે કહ્યું હતું કે, નાગરિકત્વ સુધારણા અધિનિયમ સ્વયં સ્પષ્ટ કાયદો છે. સમાજના કોઈપણ વર્ગને આ અધિનિયમ અન્વયે નુકસાન થતું નથી. પરંતુ આ અધિનિયમ વિશેની લોકોની અસ્પષ્ટ જાણકારીનો લાભ લઇ સમાજના ઉપદ્રવી તત્વો લોકોને ઉશ્કેરી રહ્યા છે અને હિંસા ભડકાવી રહ્યાં છે. જામનગર હંમેશાથી શાંત જીલ્લો રહ્યો છે. જામનગરની શાંતિપ્રિય જનતાને કલેક્ટરએ અપીલ કરતા કહ્યું હતું કે, લોકો આ અધિનિયમ વિશે જાણકારી મેળવે અને કોઈપણ પ્રકારનું પ્રદર્શન શાંતિપૂર્ણ કરે. સાથે જ સોશિયલ મીડિયામાં આવતી અફવાઓ અને ભડકાઉ સંબોધનોથી લોકો દૂર રહે.
જામનગરના પોલીસ અધિક્ષક શરદ સિંઘલે લોકોને સોશિયલ મીડિયા પરથી ખોટી પોસ્ટ મેસેજ ન કરવા અને તેમાં ભ્રાંતિમાં આવી ન જવા માટે સંબોધન કરતા કહ્યું હતું કે હાલમાં પોલીસ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પરના દુષ્પ્રચાર અને અફવાઓની પોસ્ટ પર સતત નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આઇ.ટી. એક્ટ અન્વયે ગુનો પણ દાખલ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં આ એક્ટ અંતર્ગત બે ગુના દાખલ થઇ ચુક્યા છે તો સાથે જામનગરમાં પણ બે થી ત્રણ પેમ્ફ્લેટ હિંસા ભડકાવી શકે તેવા પ્રાપ્ત થયા છે જે અન્વયે પણ તેનું ઉદભવ સ્થાન ટ્રેક કરવામાં આવી રહ્યું છે અને તેના વિશેની વિગતો મેળવાઇ રહી છે. તો આ સમયે ઉપદ્રવી તત્વોને શેહ ના મળે તે માટે લોકો સતત સતર્ક રહે અને આ પ્રકારના દુષ્પ્રચારથી દુર રહી ભરમાય નહીં અને કોઈપણ પ્રકારનું દુષ્પ્રચાર તેમને જોવા મળે તો તે અંગે પોલીસ વિભાગનો પણ સંપર્ક કરે તેવી અપીલ કરાઇ હતી.

Related posts

Leave a Comment