હિન્દ ન્યુઝ, જામનગર
રાજ્યના પ્રવાસન, સંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જામનગરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં આયોજિત બે દિવસીય (તા.૮-૯ ફેબ્રુઆરી) મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫ નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, મિલેટ એટલે કે પોષક અનાજ જેવા કે જુવાર, બાજરી, રાગીનો આપણા રોજીંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ. આ ધાન્યોમાં પોષક તત્વોની સાથે ખનીજ વિટામીન સમાયેલા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મીલેટની વાનગીઓ આહારમાં લેવાથી નાની ઉમરે થતા રોગોથી મુક્તિ મળે છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને મિલેટ પાકોના વાવેતર માટે જાગૃત કરવા માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
પ્રાકૃતિક કૃષિને તેમજ મીલેટ્સને પ્રાધાન્ય આપવા રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું છે. ખેડૂતોની આવક ટકાવી રાખવા માટે અને ખેતીમાં વૈવિધ્યપૂર્ણ પાકોના વાવેતર માટે મીલેટ્સ અગત્યની ભૂમિકા ભજવે છે. પર્યાવરણમાં સુધારો થાય અને ખેડૂતને પણ આર્થિક ફાયદો થાય તે માટે મિલેટ પાકોની ખેતી સાથે પ્રાકૃતિક ખેતી પણ જરૂરી છે.
અમદાવાદમાં રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ મહાનુભાવો અને ખેડૂતોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોનું મીલેટ્સ કીટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત કૃતિ રજુ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ અને મીલેટ્સ આધારિત તેમજ લાઈવ ફૂડ કાઉન્ટર એમ કુલ ૭૫ સ્ટોલની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, કલેકટરશ્રી કેતન ઠક્કર, જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, નાયબ મ્યુનીસીપલ કમિશ્નર ડી.એન.ઝાલા, જીલ્લા પંચાયતના સદસ્યોશ્રી લગ્ધીરસિંહ જાડેજા, કે.બી.ગાગિયા, લાલપુર એપીએમસીના ચેરમેન કાનાભાઈ આંબલીયા, પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર, જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી આર.એસ.ગોહિલ, અધિકારીશ્રીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.