હિન્દ ન્યુઝ, જામનગર
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, કમિશ્નરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ તથા જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પૃથ્વી પર જીવન ટકાવી રાખવા મનુષ્યને હવા, પાણી અને ખોરાકની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કળા, સંસ્કૃતિ અને સંગીતની પણ છે. યુવાઓમાં રહેલી કળાઓને ઉજાગર કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭થી કલા મહાકુંભની શરૂઆત કરાવવામાં આવી હતી. ત્યારથી દરેક વય જૂથના લોકોને પોતાનામાં રહેલી વિશેષ શક્તિઓ થકી ઓળખ ઉભી કરવાનો મોકો મળ્યો છે. પરંપરાગત રીતે ગ્રામ્ય કક્ષાએ રહેલી સંસ્કૃતિ જાળવી રાખનારા લોકો તેમજ વિવિધ મેળાઓના આયોજનમાં સરકાર પણ સહભાગી થઇ છે. આપણા પરંપરાગત મેળાઓમાં કલાકારો દ્વારા પોતાની કૃતિઓ રજુ કરવામાં આવે છે. રાજ્યમાં અનેક સ્થળો જેવાકે ચોટીલા, ડાકોર, સોમનાથ, શામળાજી, મોઢેરા, અંબાજીમાં કલા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. વાઈબ્રન્ટ નવરાત્રીના આયોજન થકી ગુજરાતની સંસ્કૃતિને નવી ઓળખ મળી છે. કળા અને વારસાનું જતન કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે.
ગુજરાત વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે તેની સાથે વિરાસત જાળવી રાખવા માટે પણ સરકાર દ્વારા અનેક આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. ઐતિહાસિક સંસ્કૃતિને ઉજાગર કરતુ જામનગર છોટીકાશીનું બીરૂદ ધરાવે છે. અહીં યોજવામાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં વિવિધ ૩૦ જેટલી કૃતિઓ જેમાં રાસ, ગરબા,સામુહિક કૃતિઓ, એકપાત્રીય અભિનય, સમૂહ ગીત, લગ્ન ગીત, સાંસ્કૃતિક નૃત્યો, લોકગીત, દુહા છંદ ચોપાઈ વગેરેમાં ભાગ લેનારા સ્પર્ધકોને મંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. વિજેતા ટીમો રાજ્યકક્ષાના પ્રોગામમાં ભાગ લેશે.
કલા, ઉપાસના અને સરસ્વતી સાધનામાં પોતાનું જીવન સમર્પિત કરનારા નિર્ણાયકોને મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ૮ જીલ્લાઓ જેમાં જામનગર, અમરેલી, ભાવનગર,દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને પોરબંદરની ટીમોએ ભાગ લીધો છે. વિવિધ સ્પર્ધાઓનું આયોજન જામનગરના ટાઉનહોલ ઉપરાંત ઓશવાળ ઈંગ્લીશ એકેડમી ખાતે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, કલેકટર કેતન ઠક્કર, ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, નાયબ મ્યુનીસીપલ કમિશ્નર ડી.એન.ઝાલા, પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર, પ્રાંત યુવા વિકાસ અધિકારીઓ ભરતભાઈ પરમાર, એચ.એમ. વાળા, વિશાલભાઈ રામાણી, જામનગર જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરા, જીલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ.પઠાણ, શાળાના આચાર્યો, વિદ્યાર્થીઓ,આમંત્રિત મહેમાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.