આગામી તા.૨૪ થી ૨૬ દરમિયાન યોજાનાર ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીઓની મુલાકાત લઈ સમીક્ષા કરતા કલેક્ટર

હિન્દ ન્યુઝ, સોમનાથ

           આગામી તા.૨૪ થી ૨૬ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનાર ‘સોમનાથ મહોત્સવ’ ની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે સવારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મુલાકાત લઈ સ્થળ-સ્થિતિનું નિરિક્ષણ કરી તૈયારીઓને ઓપ આપ્યો હતો. કલેક્ટરએ જૂના તથા નવા સોમનાથ મંદિર અને આસપાસના સ્થળોની મુલાકાત લઈ મહોત્સવ દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુચારૂ રૂપે ચાલે તે માટે જરૂરી સૂચનો ઉપસ્થિત અધિકારીઓને કર્યા હતાં.

કલેક્ટરએ તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી યોજાનાર સોમનાથ મહોત્સવ દરમિયાન દેશના ખ્યાતનામ અને પદ્મશ્રી સન્માનથી વિભૂષિત સંગીતજ્ઞો અને નૃત્યાચાર્યો દ્વારા શિવ મહિમા કરતી અનોખી લાઈવ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવનાર છે. આ સમયગાળા દરમિયાન મહાશિવરાત્રિનો તહેવાર પણ રંગેચંગે ઉજવવામાં આવતો હોય છે. ત્યારે અહીં આવતા ભાવિક ભક્તોને શિવદર્શન સાથે શિવ મહિમા અને ગુજરાતની લોકસંસ્કૃતિ અને વિરાસતને પ્રેરિત કરતી અદભૂત સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને સંગીતના કાર્યક્રમોનો લાભ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર વહીવટી તંત્ર દ્વારા સોમનાથ ખાતે પધારનાર દર્શનાર્થીઓ સગવડતાપૂર્વક દર્શન કરે અને સાથે જ શિવમહિમાનો લાભ પણ મેળવે તે માટે તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તંત્રના વિવિધ વિભાગો દ્વારા દર્શનાર્થીઓને ઓછામાં ઓછી અગવડતા પડે અને સોમનાથ દર્શનાર્થે આવનાર દર્શનાર્થી ભગવાન ભોળાનાથના દર્શન કરવા સાથે લાઈવ સંગીતનો લાભ પણ મેળવે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment