હિન્દ ન્યુઝ, બોટાદ
કહેવાય છે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર.. એટલે કે સારવાર કરતા સાવચેતી સારી છે. પરંતુ સાવચેતી અને સારવાર બંને તબક્કાને સિદ્ધ કરવાના દ્રઢ સંકલ્પ સાથે બોટાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવાર તા. ૨૦ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી બિન ચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ડ્રાઈવમાં ૩૦ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો જિલ્લાની કોઈપણ આરોગ્ય સંસ્થાઓમાં બિન ચેપી રોગો જેવા કે ડાયાબીટીસ,બ્લડ પ્રેશર, મોઢાના કેન્સર, મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરની પ્રાથમિક તપાસ યોગ્ય તબીબો દ્વારા કરવામાં આવશે.
આ ડ્રાઈવ અંતર્ગત બિન ચેપી રોગોની પ્રાથમિક તપાસ બાદ જે શંકાસ્પદ દર્દીઓ જોવા મળશે, તેમને જિલ્લાની હોસ્પિટલ અને મેડીકલ કોલેજ ખાતે નિદાન અને સારવારની કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત ૩૦ વર્ષથી વધુ ઉંમરના કોઈપણ નાગરિક નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર કે જિલ્લા હોસ્પિટલ ખાતે બિનચેપી રોગો જેવા કે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર અને ત્રણ કેન્સર (મોઢાનું, સ્તન અને ગર્ભાશયના મુખ)ની પ્રાથમિક તપાસ આરોગ્ય કર્મચારીઓ પાસે કરાવી શકાશે.આ અભિયાનમાં સંપૂર્ણપણે તમામ સેવાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવશે. જેનો મહત્તમ લાભ લેવા મુખ્ય આરોગ્ય અધિકારી ડો બી. એ. ધોળકિયા દ્વારા બોટાદ જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે.