કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, પેટા વન વિભાગ, ભાવનગર દ્વારા વિવિધ જગ્યાએ તા.૦૮/૧૦/૨૦૨૧ ના રોજ વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીની પૂર્ણાહુતીરૂપે તા.૦૮/૧૦/૨૦૨૧ નાં રોજ ગુજરાત રાજ્યમાં અંદાજે ૫૮૩ થી વધુ જગ્યા પર એકસાથે કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં જામનગર ખાતેથી વનમંત્રી કિરીટસિંહ રાણા જોડાયેલ હતા. તેમનાં દ્વારા વન્યપ્રાણી સંરક્ષણમાં ગુજરાત રાજ્યની કામગીરીની સિદ્ધિઓને બિરદાવવામાં આવેલ હતી. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જોડાયાં હતાં અને તેમના દ્વારા આપણા પ્રાકૃતિક વારસાને સાચવવા દરેક નાગરિકને કટીબધ્ધ બનવા આહવાન આપવામાં આવેલ હતું. મુખ્યમંત્રી દ્વારા વેળાવદર ખાતે કરવામાં આવી રહેલ ખડમોર (લેસર ફલોરીકન) ની સંરક્ષણની કામગીરીને ખાસ નોંધ લેવા જણાવ્યું હતું.

વેળાવદર ખાતે આ અનુસંધાને યોજાયેલા કાર્યક્રમમાં વન્યપ્રાણી સંરક્ષણમાં મદદરૂપ થનાર ખેડૂતો શ્રી ખોડાભાઈ નાનજીભાઈનાં પ્રતિનિધિ હાર્દિકભાઈ કાપડીયા, રામરાજસિંહ ચુડાસમા (બાવળીયારી) આ ઉપરાંત વેળાવદરનાં વિશાલભાઈ પ્રતાપભાઈ ઝાંપડીયા, પ્રવિણભાઈ જીવરાજભાઈ વેગડ, અલારખા ફતેખાન બલોચ તથા અયુબખાન ઉમરખાન બલોચનું વન્યપ્રાણી સંરક્ષણમાં યોગદાન બદલ સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય પ્રદિપભાઈ રાઠોડ દ્વારા લોકોને વન્યપ્રાણી સંરક્ષણમાં મદદરૂપ થવા અનુરોધ કરવામાં આવેલ હતો અને ભાલ પ્રદેશ તથા ભાવનગર સમગ્ર વિશ્વમાં કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનથી પ્રખ્યાત છે તે બાબતે સમજ આપવામાં આવેલ હતી.

તાલુકા પંચાયતના સભ્યશ્રી જાગૃતિબેન વિષ્ણુભાઈ કાંબડ, સરપંચ વેળાવદર મુકેશભાઈ બારૈયા, આગેવાન મનસુખભાઈ રાઠોડ, ભડભીડ તથા ગ્રામજનો હાજર રહેલ હતા. વિષ્ણુભાઈ રાઠોડ દ્વારા પણ લોકોને કુદરતી સંપત્તિના સંરક્ષણમાં મદદરૂપ થવા અપીલ કરવામાં આવેલ હતી. મદદનીશ વન સંરક્ષક, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, પેટા વન વિભાગ, ભાવનગરના એમ.એચ.ત્રિવેદી દ્વારા સન્માનિતોને બિરદાવવામાં આવેલ તથા વધુને વધુ લોકો વન્યપ્રાણી સંરક્ષણમાં જોડાય અને ‘વસુધૈવ કુટુંમ્બકમ’ ની ભાવના સાચા અર્થમાં ચરિતાર્થ કરી આ પૃથ્વી એ જીવ માત્રને જીવવાનો અધિકાર હોય, સૌએ ભેગા મળી તેના વૈવિધ્યને જાળવવો જોઈએ તેવી વિનંતી કરેલ હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તથા માધ્યમિક શાળાનાં શિક્ષકો, મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. કાર્યક્રમની આભારવિધિ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વેળાવદર શ્રી ડી.જી.ગઢવી દ્વારા કરવામાં આવેલ હતી. કાર્યક્રમની સફળતા માટે વનપાલ હરપાલસિંહ ચુડાસમા તથા વન વિભાગના સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી.

આ કાર્યક્રમના અનુસંધાને જ પાળીયાદ, દેવળીયા, સવાઈનગર, માઢીયા, કાળાતળાવ, ગણેશગઢ તથા આણંદપર ગામોમાં પણ કાર્યક્રમો યોજવામાં આવેલ હતા. સરપંચ તથા ગામના આગેવાનો અને સ્થાનિકો ઉપરાંત શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયેલા હતા. સપ્તાહ દરમ્યાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના ઈનામોનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. વનપાલ જે.એલ.જાની, કે.એમ.પરમાર તથા વનરક્ષક આર.વી.ચાવડા, એમ.આર.જાળેલા દ્વારા પણ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવેલ હતી. સમગ્ર કાર્યક્રમમાં અંદાજે ૭૦૦ વિદ્યાર્થીઓ અને ૫૧ શિક્ષકોએ તેમજ અંદાજે ૪૦૦ જેટલા ગ્રામજનોએ વિવિધ જગ્યાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment