જામનગર જિલ્લાના ૫૬ જેટલા ગામોમાં રક્તપિત્ત રોગ અંગે શોધ અભિયાન શરૂ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર જીલ્લાના ૫૬ જેટલા ગામોમાં રક્તપિત્તના દર્દી શોધવા તેમજ નવા કેસ અટકાવવા જામનગર આરોગ્ય વિભાગ તેમજ આશા કાર્યકર બહેનોની ૧૪૨ જેટલી ટીમ દ્વારા એક્ટીવ કેસ સર્વેલન્સની ખાસ ઝુંબેશ ૧૨ ડિસેમ્બરથી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન ૨૧ ડિસેમ્બર સુધી ચાલશે. તેમજ રકતપિત્ત વિશે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે.

ઘણા સમય સુધી રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો, પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. રકતપિત્ત ( માઇક્રોબેક્ટેરીયમ લેપ્રસી ) નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈ પણ ઉંમરે સ્ત્રી અથવા પુરુષ કોઈ પણને થઇ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફત ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુ ઔષધીય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ અટકાવી શકાય છે. શરીરના કોઇ પણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું પડવુ, જ્ઞાનતંતુઓનું જાડા થવું અને સ્પર્શ કરવાથી દુખાવો ન થવો આ બધા રક્તપિત્ત રોગના લક્ષણો છે. આ રોગના કારણે સામાન્ય રીતે પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે.

નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની એમ.ડી.ટી. (Multi drug treatment) બહુ ઔષધીય સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે ગુજરાતમાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં રોગ વિશે જાગૃતિ વધારવા તથા રક્તપિત્ત નિર્મૂલન કરવાના આશયથી જામનગર આરોગ્ય વિભાગ દ્વારા તા.12 ડીસેમ્બર થી તા.21 ડિસેમ્બર 2024 સુધી રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ જામનગર જિલ્લાના 56 ગામોમાં ચલાવવામાં આવશે.

Related posts

Leave a Comment