હિન્દ ન્યુઝ, હિંમતનગર
ભારત સરકાર દ્વારા આરોગ્ય અને માતૃ બાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાઓ અમલી કરાઈ છે. જે ગુણવતાયુકત સેવાઓ દ્વારા આપણને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. માતા મરણ અને બાળમરણ દર નીચે લાવવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત હિંમતનગરના નાંખી ખાતે જિલ્લા પંચાયત સદસ્ય સલમાબેન અસારીની અધ્યક્ષતામાં અને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં એનિમિયા, વ્યસનમુકતિ અને એન.સી.ડી અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો.
જિલ્લા પંચાયત સદસ્યશ્રી સલમાબેન અસારીએ હિમતનગરના અંતરિયાળ આદિવાસી તાલુકામાં આરોગ્ય શાખા દ્વારા આ પ્રકારના જાગ્રુતિ કાર્યક્રમોને આવકારી સ્થાનિક પ્રજાજનોને આરોગ્ય અને અન્ય સરકારિ સેવાઓ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ આ પ્રસંગે ઉપસ્થિત સગર્ભામાતાઓને જોખમી સગર્ભાવસ્થા, જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલ ખાતેની પ્રસુતિની સેવાઓ, પાંડુરોગના ચિન્હો, લક્ષણો અને આર્યન ફોલિક એસિડ અને કેલ્શીયમ ગોળીના મહત્વ, પીઅર એજ્યુકેટરોની ગ્રામ આરોગ્ય સેવાઓમાં સહભાગિતા, વ્યસનમુકત જીવનની અગત્યતા જેવા મહત્વના આરોગ્યલક્ષી મુદ્દાઓ અંગે માહિતી આપી હતી.
ચાંદરણી પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ના મેડીકલ ઓફિસર અને કર્મચારીઓ દ્વારા ઉપસ્થિતિ સગર્ભામાતાઓ, ધાત્રીમાતાઓ અને સ્થાનિકોને એનિમિયા ના કારણો, તેનાથી થતા નુકશાન, એનિમિયા અટકાયત માટેના ઉપાયો, શું ખોરાક લેવો, સરકાર દ્વારા બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રીમાતાઓને આપવામાં આવતી સારવાર અંગે માહિતગાર કર્યા હતા. તમાકુ, બીડી, ગુટખા, છીંકણી અને અન્ય તમાકુનિ બનાવટો થી થતા આર્થિક, સમાજિક અને શારિરિક નુકશાન અંગે સર્વેને વિગતે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક પીઅર એજ્યુકેટરોએ વ્યસનમુકત જીવન અંગે ઉપસ્થિત સર્વેને આરોગ્યલક્ષી જાણકારી પુરી પાડી હતી.
આ કાર્યક્રમમાં ગ્રામ આરોગ્ય સમિતિના ચેરમેન, લોક આગેવાનો સહિત મોટી સંખ્યામાં સગર્ભામાતાઓ, ધાત્રીમાતાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.