હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર તાલુકા વિસ્તારના ગામમાં જમીન મહેસુલ કર ઉપકર તથા ગ્રામ પંચાયત કરવેરા સત્વરે ભરી દેવા તાકીદ કરવામાં આવે છે. આગામી તારીખ 31 ડિસેમ્બર પહેલાં જેના કરવેરા નહીં ભરાય અથવા કર ઉપકર નહીં ભરાય તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારમાં તારીખ 31 ડિસેમ્બર પહેલાં પાણી વેરા તથા કરવેરા નહિ ભરે તેમના પાણીના કનેક્શન કટ કરવામાં આવશે. ભાલ વિસ્તારના મીઠા ઉદ્યોગના માલિકો, ઝીંગા ફાર્મના માલિકો, કરદેજ, વરતેજ, થોરડી, સામપરા ખો તથા માઢીયા વિસ્તારના ઔદ્યોગિક એકમોના માલિકો અને બિનખેતી ધારકોને અપીલ કરવામાં આવે છે.
ભાવનગર તાલુકાના ભાલ વિસ્તારમાં આવેલ મીઠાના અગરો, ઝીંગા ફાર્મ તથા ભાવનગર તાલુકા વિસ્તારમાં આવેલ અન્ય ઔદ્યોગિક એકમો તથા બિનખેતી પ્લોટ ધારકો અને અર્ધસરકારી એકમોને પોતપોતાના વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં વર્ષ 2024-25 ના જમીન મહેસુલ જિલ્લા પંચાયત ઉપકર તથા શિક્ષણ ઉપકરની રકમ કાર્યક્ષેત્ર વિસ્તારના તલાટી કમ મંત્રીને મળી સત્વરે ચૂકતે કરી આપવી અને પહોંચ મેળવી લેવી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકોએ પોતાના રહેણાંકના મકાનના કરવેરા તથા પાણીવેરાની રકમ પણ પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારના તલાટી કમ મંત્રીને તાકીદે ભરી દેવા જણાવવામાં આવે છે.
તારીખ 31 ડિસેમ્બર સુધીમાં જે કોઈ ઔદ્યોગિક એકમો અથવા બિનખેતી ધારકો દ્વારા જમીન મહેસુલ તથા કર ઉપકરની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તેવા બિનખેતી ધારકો સામે અથવા ઔદ્યોગિક એકમો કે મીઠાના અગરો કે ઝીંગા ફાર્મના માલિકો સામે જમીન મહેસુલ કાયદાની કલમ-151, 152 તથા 154 હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ મોટી રકમનું માગણું બાકી હશે તો જે તે એકમના બેંક ખાતા સીલ કરવાથી માંડી જમીન મહેસુલ કાયદાની જોગવાઈ મુજબ શરત ભંગ કરી જમીન શ્રી સરકાર દાખલ કરવા સક્ષમ અધિકારીને દરખાસ્ત કરવામાં આવશે.
આ ઉપરાંત ગ્રામ પંચાયત વિસ્તારમાં મકાન ધારકો દ્વારા ઘરવેરો, પાણી વેરો, સફાઈવેરો ભરપાઈ કરવામાં નહીં આવે તો તેની સામે પણ દંડનીય વ્યાજ સહિતની કાર્યવાહી કરવામાં આવશે અને ગ્રામ પંચાયત દ્વારા જેનો વેરો ભરપાઈ કરવામાં નહીં આવ્યો હોય તેમનું પાણીનું કનેક્શન પણ કટ કરવામાં આવશે.
આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવાની છે ત્યારે જે કોઈ વ્યક્તિઓ આવી ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા માગતા હશે તેમણે પણ સરકારના તમામ વેરા ભર્યા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. અને ખેતીની જમીન ઉપર સહકારી મંડળીમાંથી કે બેંકમાંથી લોન લેવા માટે પણ તલાટી કમ મંત્રીશ્રીનું લેણું નથી બાકી તેવા સર્ટિફિકેટની જરૂર પડે છે આવે વખતે દોડવું પડે એ પહેલાં તમામ કરવેરાઓ જમીન મહેસુલ કર, લીઝ સહિતની બાકી લેણાંની રકમ ભરપાઈ કરી તમામે નિશ્ચિત થઈ જવું અન્યથા તારીખ 31 ડિસેમ્બર પછી આવા તમામ બાકીદારો ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ તાલુકા વિકાસ અધિકારી ભાવનગર દ્વારા કરવામાં આવી છે. જમીન મહેસુલ કાયદામાં જો કોઈ બાકીદાર મોટી રકમ હોય અને ન ભરે તો જે તે એકમનું કે બાકીદારનું બેંક ખાતુ સીલ કરવાના પણ મહેસૂલી અધિકારીને અધિકાર છે તેમ તાલુકા વિકાસ અધિકારી ભાવનગર દ્વારા જણાવાયું છે.