હિન્દ ન્યુઝ, સોમનાથ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાન સોમનાથના સાનિધ્યમાં યોજાયેલ રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આજે સમાપન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા AI ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી દ્વારા વર્ષ 2019 થી 2024 દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવાઓ બજાવનાર 20 જેટલા સનદી અધિકારીઓનું ‘કર્મયોગી પુરસ્કાર’થી સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં વર્ષ 2003થી શરૂ થયેલી ચિંતન શિબિરની જ્વલંત સફળતાને પગલે અનેક એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ આવ્યા છે, જેના પગલે ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ તથા ગ્રોથ એન્જિન બન્યું છે. એટલું જ નહીં, આ શિબિરો ટેક્નોલોજી ડ્રીવન ગવર્નન્સ માટે એક ટેક-ઓફ પ્લેટફોર્મ બની છે. તેમણે કહ્યું કે, વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ખાસ કરીને સામૂહિક ચિંતન-મંથનથી જે ચર્ચા-વિમર્શ થાય તેના પરિણામે વિકાસને નવી દિશા મળે છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધારિત કરેલ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેના લક્ષ્યને વિકસિત ગુજરાતથી સાકાર કરવા માટે સૌને આહવાન કર્યું હતું.
