હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લાના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાને બે નવી એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરી ઈણાજ ખાતેથી નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
વેન્ટિલેટર, મોનિટર, ઓક્સિમીટર, ઓક્સીજન ફ્લોમીટર, તમામ વાઈટલ કિટ અને મેડિસિન, એર-વે મેનેજમેન્ટ, સેન્સર કેમેરા, ચાર પ્રકારના સ્ટ્રેચર જેવા અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ આ બન્ને એમ્બ્યુલન્સને અનુક્રમે વેરાવળ તેમજ ઉના ખાતે કાર્યરત કરાશે.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં ૧૪ જેટલી ‘૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ’ કાર્યરત છે. જે એમ્બ્યુલન્સમાંથી રાજ્ય સરકારના નિયમ પ્રમાણે બે એમ્બ્યુલન્સના ઈમરજન્સી વાહન તરીકેના કિલોમીટર પૂર્ણ થવાથી સરકાર દ્વારા આ બે એમ્બ્યુલન્સની બદલીમાં નવી બીજી બે અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતી એમ્બ્યુલન્સ આપવામાં આવી છે.
આ અવસરે, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ પી.એન.બરૂઆ, એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ. દિવ્યેશ ગૌસ્વામી સહિત જિલ્લા પંચાયતના કર્મચારીઓ તેમજ ગીર સોમનાથ જિલ્લાની ૧૦૮ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.